કોટડાસાંગાણીમાં વાલમશેરી, આંબલી શેરી, જેલ શેરી સહિતના વિસ્તારોમાં પેવર બ્લોક ઉખડી ગયા છે, પસાર થતા વાહનોની સાથે આ બ્લોક લોકોને વાગી રહ્યા છે, ઇજા પહોંચાડી રહ્યા હોવાથી આ મુદે યોગ્ય કરવા સામાજિક કાર્યકરે માગણી ઉઠાવી છે.
કોટડાસાંગાણીમાં કેટલાક સમયથી રોડ ઉપર મોટા ખાડા પડી ગયા હોવાથી વાહન ચાલકોને અકસ્માત સર્જાય છે છતાં પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી. ઘણા લાંબા સમયથી બ્લોક ઉખડી ગયા છે અને રોડ ઉપર મોટા ખાડા પડી ગયા હોવા અંગે રજૂઆત કરવામાં આવી છે છતાં તંત્ર ધ્યાને લેતું નથી.
તાલુકા વિકાસ અધિકારીને આ વિશે આવેદન આપી બ્લોકની મરામત કરાય તેવી માગણી કરીને 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે, જો હવે પણ આ મુદાને ગંભીરતાથી નહીં લે તો ઉપવાસ ઉપર બેસવાની જાહેરાત સલીમ પતાણીએ કરી છે.
સામાજિક કાર્યકરે ડીડીઓને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે બ્લોકના લીધે આ શેરીઓમાં વાહન ચાલકો ભયના ઓથાર તળે પસાર થઇ રહ્યા છે, અકસ્માતો થાય છે, નાની મોટી ઇજાઓ થાય છે છતાં પણ તંત્રના પેટમાં પાણી હલતું નથી. આ વિસ્તારમાં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે ત્યારે અહીંથી નિયમિત અવરજવર કરતા લોકોને આ પેવર બ્લોક પીડા આપી રહ્યા હોવા છતાં તંત્રને કશું મનમાં નથી.