રાજકોટના પીઠડીયા ટોલપ્લાઝા પર 10 સપ્ટેમ્બરના રોજ એક ઇનોવા કારચાલકે દાદાગીરી કરી બેરિયર તોડીને ટોલ ચૂકવ્યા વગર નાસી ગયો હતો. આ ઘટનાનો વીડિયો વાઇરલ થતા રાજકોટ રૂરલ પોલીસે કાયદાનો ડંડો ઉગામીને આરોપીને ઝડપી પાડ્યો છે. આ ઘટના બે દિવસ પહેલા બની હતી. જેમાં વીરપુર નજીક આવેલા પીઠડીયા ટોલપ્લાઝા પર GJ 18 BJ 3737 નંબરની ઇનોવા કારના ડ્રાઇવરે ટોલ ટેક્સ ભરવાનો ઇનકાર કર્યો હતો અને બેરિયર તોડીને ભાગી ગયો હતો. પોલીસની તપાસમાં ડ્રાઇવર ગોંડલનો અશોક કોળી હોવાનું સામે આવ્યું હતું.
ડ્રાઈવરની ધરપકડ, પોલીસે માફી મગાવી પોલીસે અશોક કોળીને પકડીને તેને કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસે તેને માફી માંગતો વીડિયો પણ શૂટ કરાવ્યો, જેમાં તે કબૂલે છે કે તેણે પોતાના શેઠની ગાડી લઈને સીન-સપાટા કર્યા હતા. વીડિયોમાં તે પોતાની ભૂલ સ્વીકારે છે અને ભવિષ્યમાં આવી ભૂલ ફરી નહિ કરે તેવી ખાતરી આપે છે. બનાવમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને દાદાગીરી કરનારાઓને કડક સંદેશ આપ્યો છે કે કાયદાથી ઉપર કોઈ નથી.
જાણો શુ હતો સમગ્ર મામલો રાજકોટના વીરપુર પાસે પીઠડીયા ટોલ પ્લાઝાના સીસીટીવી સામે આવ્યા હતા. જેમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલ નેઇમ પ્લેટ સાથેની GJ18 BJ 3737 નંબરની ઇનોવા કાર ચાલક રોફ જમાવતો નજરે પડ્યો હતો. ઇનોવા કાર ટોલનાકામાં પહોંચે એ પહેલા ડ્રાઇવર સાયરન વગાડીને રોફ જમાવતો નજરે પડતો હતો. આ કારમાં GOV.OF GUJARAT લખ્યું છે. જ્યાં ટોલ ટેક્ષ ભર્યા વિના જ ટોલ પ્લાઝાના કર્મીને ધમકી આપી બૂમ બેરિયર તોડીને કાર ચાલક કાર હંકારી નાશી છૂટયો હતો સમગ્ર મામલે વીરપુર પોલીસ સ્ટેશનમાં પુરાવા સાથે ટોલ પ્લાઝા તરફથી કાર ચાલક વિરુદ્ધ અરજી આપવામાં આવી હતી.