ખાડામાં કેબિનેટ મંત્રી – સાંસદના પોસ્ટર ખોડી રાજીનામુ માંગ્યુ

રાજકોટ ભાવનગર હાઈવે પર પડેલા મસમોટા ખાડાને લઈને આજે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિસ્તારના ધારાસભ્ય ભાનુબેન બાબરીયા અને સંસદ સભ્ય પરસોત્તમ રૂપાલાનું રાજીનામું માંગતા પોસ્ટર ખાડામાં ખોડવામાં આવ્યા હતા. જેમાં લખવામાં આવ્યું હતું કે પ્રજાની નથી દરકાર, આવી છે તમારી સરકાર; રાજીનામું આપો. બાદમાં નીચે હું છું ભાજપ, હું છું વિકાસ પણ લખવામાં આવેલું છે. આ ઉપરાંત ગૃહ મંત્રીને આડેહાથ લેતા કહ્યું કે જે રીતે હર્ષ સંઘવીએ ઓપરેશન સિંદૂરની થીમ પર ગણેશ ઉત્સવની ઉજવણી કરનારાઓને સર્વે કરી એકથી પાંચ નંબર આપવા માટેનું કહેવામાં આવ્યું છે એ રીતે ગુજરાતમાં કેટલા ખાડા પડ્યા તેનો પણ સર્વે કરાવે કારણકે હાલ ખાડાને કારણે અનેક લોકોએ ગંભીર અકસ્માતમાં જીવ ગુમાવવા પડે છે અને તેને કારણે બહેનોનું સિંદૂર ભૂંસાઈ જાય છે.

રાજકોટ તાલુકા પંચાયત સદસ્ય નિશિત ખૂંટ તથા રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આકસ્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ – ભાવનગર હાઇવે પર ચાર મહિના પહેલા પ્રજાના ટેક્સ ના પૈસામાંથી રૂપિયા 5 કરોડના ખર્ચે રસ્તાનું રીપેરીંગ કરવામાં આવ્યું હતું. જોકે આમ છતાં પણ રસ્તાઓ વધુ ખરાબ થયા છે મોટા ખાડાઓને કારણે ગંભીર અકસ્માતો સર્જાય છે. જેથી તંત્રને જાગવાની જરૂર છે અમારા ધારાસભ્ય તરીકેના પ્રતિનિધિ ભાનુબેન બાબરીયા છે અને સંસદ સભ્ય તરીકે પરસોત્તમ રૂપાલા છે. જોકે આ બંને આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવામાં નિષ્ફળ નીકળ્યા છે. જેથી અમે આસપાસના ગ્રામજનો એકત્ર થયા છીએ અને ભાનુબેન બાબરીયા અને પરસોતમ રૂપાલાનું રાજીનામું માગીએ છીએ. આ માટે અમે 2000 જેટલા પોસ્ટકાર્ડ મુખ્યમંત્રીને લખીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *