રાજકોટની શાળાઓમાં વિદ્યાર્થીઓના સ્કૂલબેગની આકસ્મિક ચકાસણી કરવા

અમદાવાદની શૈક્ષણિક સંસ્થામાં તાજેતરમાં પરીકરથી વિદ્યાર્થીની કરાયેલી હત્યાના રાજકોટ સહિત રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ ઘટનાના પગલે રાજય સરકારના શિક્ષણ વિભાગે પણ એકશન મોડમાં આવી જઈ પગલા લેવાનું શરૂ કરી દીધુ છે. શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સલામતી જળવાઈ રહે તે માટે વ્યવસ્થા ગોઠવવા રાજકોટ જીલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલ દ્વારા રાજકોટ શહેર-જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક માધ્યમિક શાળાઓને ખાસ પરિપત્ર ઈશ્યુ કરી દીધો છે. જેમાં રાજકોટ શહેર-જીલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સલામતી અને શિસ્ત વિષયક અનિચ્છનીય ઘટના ન ઘટે તે જોવાની જવાબદારી હવે જે તે શાળાના આચાર્ય અને શિક્ષકોની રહેશે તેમજ સમયાંતરે વિદ્યાર્થીઓના સ્કૂલ બેગની આકસ્મીક તપાસણી કરવા પણ શાળા સંચાલકોને આદેશ આપવામાં આવેલા છે.

શિક્ષણાધિકારી પટેલ દ્વારા જણાવાયું છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની સલામતી અને સુરક્ષા માટે શાળાએ જરૂરી પગલા લેવાના રહેશે. જે અન્વયે દરેક શાળાઓમાં શિસ્ત સમિતિની રચના કરવાની રહેશે. આ સમિતિની સંખ્યા વિદ્યાર્થીઓની સંખ્યાને આધિન રાખવાની રહેશે. આ શિસ્ત સમિતિમાં શાળાના આચાર્ય, શિક્ષક, વિદ્યાર્થી, વર્ગના મોનીટર અને જીએસ સભ્ય રહેશે. આ સમિતિ દ્વારા સમગ્ર શાળા પરિસરમાં, રીશેષ સમયે રમત ગમતના મેદાનમાં અને શાળામાં આવવા જવાના સમયે સલામતી જાળવવાની કાર્યવાહી કરવાની રહેશે. તેમજ શિક્ષકની ગેરહાજરી સમયે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં એકલા બેસી ન રહે તે માટે વિદ્યાર્થીઓને સહઅભ્યાસી પ્રવૃતિઓમાં જોડવાના રહેશે. આમ વિદ્યાર્થીઓ નિર્ભયપૂર્ણ વાતાવરણમાં શિક્ષણ કાર્ય મેળવે તેવી વ્યવસ્થા કરવાની રહેશે.શાળાઓના આચાર્ય અને શિક્ષકોએ નૈતિક ફરજના ભાગરૂપે શાળામાં આવનાર વિદ્યાર્થીની સલામતી જાળવવા પ્રાથમિકતા આપવાની રહેશે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓ શાળાએ આવે તે પહેલા વાલીઓને પણ વિદ્યાર્થીઓના બેગની તપાસણી કરીને શાળાએ મોકલવા તેવી સૂચના વાલી મીટીંગમાં શાળા સંચાલકોએ આપવાની રહેશે. આ ઉપરાંત શાળામાં બનતી અસાધારણ ઘટનાની જાણ શિક્ષણ અધિકારીને કરવાની રહેશે. આ તમામ કાર્યવાહી બાળક અધિકાર નિયમનો ભંગ ન થાય એ રીતે કરવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *