જો તમે કાર કંપનીના સર્વિસ સ્ટેશનમાં મૂકો છો તો તે કાર સર્વિસ સ્ટેશનમાં જ છે કે નહીં તેનું ધ્યાન રાખવું જરુરી બન્યું છે. જૂનાગઢના મહિન્દ્રાના શો રૂમમાં સર્વિસ માટે મૂકેલી 19 લાખ રૂપિયાની સ્કોર્પિયો કાર ગુમ થયાનો કારમાલિકે આક્ષેપ કરતા ચકચાર મચી છે. સર્વિસમાં મૂકવામાં આવેલી કાર મેંદરડા તરફ ફરતી હોવાની માલિકને જાણ થતા તે ચોંકી ઉઠ્યા હતા. જ્યારે કંપનીના સર્વિસ સ્ટેશન પર પહોંચી તપાસ કરી તો કાર મળી ન હતી. સર્વિસ સ્ટેશનના મેનેજરે પણ કાર ગુમ થયાનો સ્વીકાર કર્યો હતો. હાલ આ મામલે કારમાલિક પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.
ઘટનાની વિગતો આપતા પ્રતાપભાઈ આગટ નામના વ્યક્તિએ જણાવ્યું કે,’બપોરે 12 વાગ્યે મારા મિત્રની મહિન્દ્રા સ્કોર્પિયો કાર સર્વિસ માટે શોરૂમમાં મૂકવા ગયો હતો. શોરૂમમાં ગાડી મૂક્યા બાદ હું મારા કામે લાગી ગયો.બધું સામાન્ય લાગી રહ્યું હતું. પરંતુ રાત્રે 9 વાગ્યે પ્રતાપભાઈના મિત્રનો ફોન આવ્યો, જેણે તેમને આશ્ચર્યમાં મૂકી દીધા.પ્રતાપભાઈએ કહ્યું, ‘મારા મિત્રએ મને પૂછ્યું કે ગાડી ક્યાં છે? મેં કહ્યું કે ગાડી તો શોરૂમમાં જ છે. ત્યારે તેણે મને જણાવ્યું કે તેની ગાડી મેંદરડા પાસે ફરતી જોવા મળી છે.’ આ વાત સાંભળીને પ્રતાપભાઈ ચોંકી ઉઠ્યા. તેમણે તાત્કાલિક શોરૂમનો સંપર્ક કર્યો અને સ્થળ પર પહોંચીને જાતે તપાસ કરી.