ડ્રગ્સ માફીયાઓને ડામવા છ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ બનશે

ગુજરાત સરકારે રાજ્યને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે વધુ એક મોટું પગલું ભર્યું છે. આ માટે રાજ્યમાં ઝોન મુજબ કુલ 6 નવી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) યુનિટ્સ શરૂ કરવામાં આવશે. જે ડ્રગ્સના વેચાણ, હેરફેર અને ઉત્પાદન પર અંકુશ લગાવશે. આ યુનિટ્સની સ્થાપનાથી ગુજરાતમાં ડ્રગ્સ સામેની લડાઈ વધુ મજબૂત બનશે.

છ નવા ANTF યુનિટ્સ બનશે આ છ નવા ANTF યુનિટ્સ ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને બોર્ડર ઝોનમાં કાર્યરત થશે. આ ઝોનલ માળખું રાજ્યના દરેક ખૂણામાં ડ્રગ્સ નેટવર્કને તોડવામાં મદદ કરશે.

પહેલાં 34 અધિકારી કર્મચારી હતાં, ત્યારે હવે 211નું મહેકમ થશે વર્તમાનમાં કાર્યરત નાર્કોટિક્સ સેલને વધુ શક્તિશાળી બનાવવા માટે આ ANTF યુનિટ્સ ઊભા કરી તેમાં 1 એસ.પી., 6 ડીવાયએસપી અને 13 પીઆઇ સહિત કુલ 177નું વધારાનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. અગાઉ નાર્કોટિક્સ સેલમાં 34 અધિકારી કર્મચારી હતાં, જે હવે ANTF ઓપરેશનલ થતા 211 અધિકારી કર્મચારીનું મહેકમ થશે. આ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માત્ર અને માત્ર NDPS સંબંધિત ગુનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ યુનિટ્સનું સમગ્ર સુપરવિઝન સીઆઈડી ક્રાઈમ દ્વારા કરવામાં આવશે.

‘ડ્રગ્સ માફિયાઓ સામે ‘cutting edge level’ની કાર્યવાહી થશે’ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, આ યુનિટ્સ દ્વારા સમગ્ર રાજ્યમાં નાર્કોટિક્સ નેટવર્ક સાથે જોડાયેલા ડ્રગ્સ માફિયાઓ, સપ્લાયર્સ અને પેડલર્સ સામે ‘cutting edge level’ની કાર્યવાહી કરવામાં આવશે.

‘ઝોન વાઇઝ ડ્રગ્સના ગુનાઓની તપાસમાં એકસૂત્રતા જળવાશે’ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે, આ ઝોન વાઇઝ પોલીસ સ્ટેશનો દ્વારા ડ્રગ્સના ગુનાઓની તપાસમાં એકસૂત્રતા જળવાઈ રહેશે. ANTF યુનિટ્સ દ્વારા નોંધાયેલા ગુનાઓની તપાસ વ્યવસ્થિત રીતે થઈ શકશે, જેનાથી આરોપીઓને કડક સજા અપાવવાની પ્રક્રિયા વધુ સરળ બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *