મહિલાને રસ્તામાં રોકી રિક્ષાચાલકે હાથ પકડી સરાજાહેર છેડતી કરી

શહેરની ભાગોળે મુંજકામાં રહેતી પરિણીતા પોતાના પુત્રને સ્કૂલે મુકવા જતી હતી ત્યારે યુનિવર્સિટી રોડ પર રિક્ષાચાલકે તેને આંતરી છેડતી કરી હતી, બે મહિનાથી આ શખ્સ મહિલાનો પીછો કરતો હતો.

મુંજકામાં રહેતી 28 વર્ષીય પરિણીતાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ચોક્કસ રિક્ષા નંબરનો ચાલક અજાણ્યા શખ્સ હોવાનું કહ્યું હતું.

પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, શુક્રવારે સવારે પોતે પોતાના પુત્રને સ્કૂલે મુકવા જવા સ્કૂટર લઇને નીકળ્યા હતા અને યુનિવર્સિટી રોડ પર દ્વારકાધીશ હોટેલ નજીક પહોંચ્યા હતા ત્યારે પાછળથી એક રિક્ષાચાલક ધસી આવ્યો હતો અને જોરજોરથી હોર્ન વગાડવા લાગ્યો હતો.

પરિણીતાએ પ્રથમ તો તેને નજર અંદાજ કર્યો હતો પરંતુ તેણે પીછો ચાલુ રાખતાં પરિણીતાએ સ્કૂટર સાઇડમાં ઉભું રાખ્યું હતું તે સાથે તે શખ્સે પણ રિક્ષા બાજુમાં ઉભી રાખીને નીચે ઉતર્યો હતો. રિક્ષાચાલકના વર્તનથી પરિણીતા ગભરાઇ ગઇ હતી તેણે કહ્યું હતું કે, ‘ભાઇ આવું કેમ કરો છો‘, તો તે રિક્ષાચાલકે તમને મે સ્કૂટર પર અહિથી નીકળતા અનેક વખત જોયા છે અને તમે મને પસંદ છો,

એમ કહી તે શખ્સે પરિણીતાનો હાથ પકડી લીધો હતો અને તેથી પરિણીતાએ બૂમાબૂમ કરતાં લોકો એકઠા થવા લાગતા ગાળો ભાંડીને રિક્ષાચાલક ભાગ્યો હતો, પરિણીતાએ પણ સ્કૂટરથી પીછો કરી ઇન્દિરા સર્કલ સુધી જઇ તે શખ્સની રિક્ષાના નંબરનો ફોટો પાડી લીધો હતો. આ શખ્સ લાંબા સમયથી પીછો કરતો હોવાનું પણ પરિણીતાએ કહ્યું હતું. પોલીસે રિક્ષા નંબરના આધારે છેડતી કરનારની શોધખોળ શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *