રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે મેઘમહેર યથાવત્ રહી છે. ગઈકાલે શહેરના જુદા જુદા ઝોનમાં 1થી 4 ઇંચ વરસાદ પડ્યા બાદ આજે સવારથી પણ વરસાદનું આગમન થયું છે. સવારના 9 વાગ્યાથી કાલાવડ રોડ, મવડી, જામનગર રોડ અને કોઠારિયા રોડ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જોકે, વરસાદના કારણે કેટલાક રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને થોડી મુશ્કેલી પડી રહી છે, પરંતુ ધીમીધારે વરસી રહેલા આ વરસાદથી ‘જગતનો તાત’ ખુશખુશાલ થયો છે.
શહેરમાં ઠંડક અને હાલાકીનો મિશ્ર અનુભવ સવારના 9 વાગ્યાથી શરૂ થયેલા વરસાદે લોકોને ગરમી અને બફારામાંથી રાહત આપી છે. જોકે, આ વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને થોડી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો અને ટ્રાફિકવાળા રસ્તાઓ પર પાણી ભરાતા વાહનોની ગતિ ધીમી પડી હતી. સવારના સમયે નોકરી-ધંધા પર જતા લોકોને પણ મુશ્કેલી પડી હતી. છતાં, વરસાદની ઠંડકનો અનુભવ થતાં લોકોએ આ વરસાદને વધાવી લીધો હતો.