રાજકોટમાં ચોમાસાની ઋતુમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોના સંભવિત ફેલાવાને અટકાવવા રાજકોટ મહાપાલિકાએ કમર કસી છે. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ‘વન-ડે-વન-વોર્ડ’ કાર્યક્રમ હેઠળ શહેરભરમાં સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ 4 ઓગસ્ટ, 2025થી શરૂ થઈ હતી અને તેના ભાગરૂપે અત્યાર સુધીમાં 6 વોર્ડમાં ઘરે ઘરે જઈને મચ્છરોની ઉત્પત્તિ અટકાવવાની કામગીરી કરવામાં આવી ચુકી છે. આ કામગીરી દરમિયાન મનપા તંત્ર દ્વારા 1 લાખ કરતા વધુ ઘરોની મુલાકાત લઈ તપાસ કરવામાં આવી ચૂકી છે અને જરૂર પડે ત્યાં ફોગીંગ સાથે દવાઓનો છટકાવ કરવામાં આવ્યો છે. તેમજ મચ્છર ઉત્પત્તિ માટે બેદરકારી રાખનાર અનેકને નોટિસો પણ ફટકારવામાં આવી છે.
ઝુંબેશની અત્યાર સુધીની કામગીરીનું વિસ્તૃત વિવરણ આ ઝુંબેશ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા વોર્ડ નંબર 1, 2, 4, 6, 7 અને 10 માં મોટાપાયે કામગીરી કરીને મચ્છર નિયંત્રણના પ્રયાસો કરાયા છે. વોર્ડ નંબર 1, 2 અને 44 ઓગસ્ટથી 6 ઓગસ્ટ, 2025 દરમિયાન આ ત્રણ વોર્ડમાં કુલ 61,630 ઘરોની ટીમોએ મુલાકાત લીધી હતી. મેલેરિયા વિભાગની ટીમોએ કુલ 2,79,027 પાણીના પાત્રોની ઝીણવટભરી તપાસ કરી, જેમાંથી 2,726 ઘરોમાં મચ્છરના પોરા મળી આવ્યા હતા. ટીમોએ આ પોરાનો તાત્કાલિક નાશ કર્યો હતો.
આ ઉપરાંત, કુલ 1,703 ઘરોમાં મચ્છરોનો ઉપદ્રવ રોકવા માટે ઇન્ડોર ફોગિંગ પણ કરવામાં આવ્યું હતું. રહેણાંક વિસ્તારો ઉપરાંત, 642 જેટલા બિનરહેણાંક એકમો (જેમ કે દુકાનો, ગોડાઉન વગેરે) ની પણ ચકાસણી કરવામાં આવી હતી. તેમાંથી 476 એકમોને મચ્છર ઉત્પત્તિ માટે જવાબદાર ઠેરવી નોટિસ ફટકારવામાં આવી હતી. આ સમયગાળામાં રોગની ઓળખ માટે શંકાસ્પદ જણાતા 274 વ્યક્તિઓના લોહીના નમૂના પણ લેવામાં આવ્યા હતા.