રાજકોટમાં રહેતા 32 વર્ષના મહિલાએ રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વિજય ધનજી વિકાણીનું નામ આપ્યું હતું. મહિલા વકીલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.15 જૂનના તેમના ફેસબુક આઇડી પર અંકિતા પટેલની આઇડી પરથી મેસેજનો ધોધ શરૂ થયો હતો. તા.21ના મહિલાએ તમે કોણ છો તેવો રિપ્લાય આપતા તે શખ્સે કાકાજી સસરા બોલે છે તેમ કહ્યું હતું. જોકે પોતાના આવા કોઇ સંબંધી નહીં હોવાથી મહિલા વકીલે મેસેજ નહીં કરવાનું કહ્યું હતું. ત્યારબાદ પણ આ શખ્સે મેસેજ ચાલુ રાખ્યા હતા જેથી મહિલાએ પોતાના પતિને વાત કરી હતી.
થોડા દિવસ બાદ તે શખ્સે મેસેજ કર્યો હતો કે, તમારો બેડરૂમ બતાવો, ત્યારબાદ તે શખ્સે વીડિયોકોલ કરવાનું શરૂ કર્યું હતું એક વખતે મહિલા વકીલથી વીડિયોકોલ રિસીવ થઇ જતાં તે શખ્સ વીડિયોમાં અભદ્ર વ્યવહાર કરવા લાગ્યો હતો. અંતે મહિલા વકીલે સાયબર ક્રાઇમ પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતાં ચોક્કસ મોબાઇલ નંબર ધારક વિજય ધનજી વિકાણીને પોલીસે શોધી કાઢ્યો હતો. વિજયને પોલીસ મથકે લવાયો ત્યારે તેણે અગાઉથી જ પોતાના મોબાઇલમાંથી તમામ મેસેજ અને વીડિયો ડિલીટ કરી નાખ્યા હતા. જોકે પોલીસે વિજય વિકાણીનો ભાંડો ફોડી નાખ્યો હતો.