સૌરાષ્ટ્રને હાઈકોર્ટની સર્કિટ બેંચ અપાવવા 111 શ્રીફળ વધેરી લડતનો પ્રારંભ

સૌરાષ્ટ્રને હાઈકોર્ટની સર્કિટ બેંચ મળે તે માટે સૌરાષ્ટ્રના વકીલોએ લડતના મંડાણ શરૂ કર્યા છે. થોડા દિવસ પૂર્વે 27 વકીલોની કમિટીની રચના કર્યા બાદ હવે રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ હોદેદારો મેદાનમાં આવ્યા છે. આજે(11 ઓગસ્ટે) સવારે 11 કલાકે 111 શ્રીફળ વધેરી સૌરાષ્ટ્રને હાઈકોર્ટની સર્કિટ બેંચ મળે તે માટે લડતના મંડાણ શરૂ કર્યા છે. વકીલોએ વકીલ એક્તા ઝિંદાબાદ અને હાઈકોર્ટ બેંચ લેકે રહેંગેના નારા લગાવ્યા હતા. ગુજરાત હાઈકોર્ટમાં હાલ જે પેન્ડિંગ કેસો છે તેમાં 60 ટકા કેસો સૌરાષ્ટ્ર કચ્છના હોવાનું સામે આવ્યું છે. જો સૌરાષ્ટ્રને હાઈકોર્ટની સર્કિટ બેચ મળે તો વકીલોનો સમય અને ખર્ચ બચી જાય તેમ છે.

રાજકોટને હાઈકોર્ટ બેંચ મળે તે માટે વર્ષ 1983માં રાજકોટ બાર એસોસિએશન દ્વારા અથાગ પ્રયાસ કરવામાં આવ્યા હતા અને આ અંગેનું આંદોલન પણ લગભગ છ માસ સુધી ચાલ્યું હતું. ત્યારબાદ રાજકોટ બાર એસોસિએશનના સિનિયર વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ અને રાજકોટ બારના પૂર્વ પ્રમુખો દ્વારા પણ આ દિશામાં ઘણી કામગીરી કરવામાં આવી હતી. જે અન્વયે રાજકોટ બાર એસોસિએશનના સભ્યો દ્વારા હાઈકોર્ટની બેંચ મળે તે સંદર્ભે અરજી આપી હતી. તાજેતરમાં મહારાષ્ટ્ર હાઇકોર્ટ દ્વારા કોલાપુરને સર્કિટ બેન્ચ ફાળવાતા રાજકોટમાં વકીલો દ્વારા ફરી આ લડતના શ્રીગણેશ કરવામાં આવ્યા છે. જો કે આ માંગ સાથે રાજકોટના બાર એસોસિએશનનો જૂથવાદ ઉડીને આંખે વળગી ગયો હતો. વર્તમાન બાર એસોસિએશનના હોદેદારો અને પૂર્વ હોદેદારો વચ્ચે જૂથવાદ થતા બંને જૂથ દ્વારા અલગ અલગ રીતે સૌરાષ્ટ્રને હાઇકોર્ટની સર્કિટ બેન્ચ રાજકોટમાં આપવા માટે માંગ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *