રૈયા રોડ પરના વિસ્તારમાં રહેતી અને નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી યુવતીનો તેના બોયફ્રેન્ડ સાથેનો વીડિયો ઉતારી માથાભારે શખ્સે યુવતીને આંતરી હતી અને માથાકૂટ કરી યુવતીને ફડાકો મારી જ્ઞાતિ અંગે હડધૂત કરી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
રૈયા રોડ પરના વિસ્તારમાં રહેતી અને હરિપરમાં આવેલી કામદાર કોલેજમાં નર્સિંગનો અભ્યાસ કરતી 21 વર્ષની યુવતીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રવિ ભરવાડ અને તેની સાથેનો એક અજાણ્યો શખ્સ હોવાનું કહ્યું હતું. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, રવિ ભરવાડ નામનો શખ્સ છેલ્લા ત્રણેક દિવસથી યુવતીનો પીછો કરતો હતો અને યુવતી તેના બોયફ્રેન્ડ સાથે જતી હોય તેનો વીડિયો ઉતારતો હતો.
આ રવિ ભરવાડના પિતાના નામની જાણ નથી તે પોતે રહે છે તે વિસ્તારમાં રહેતો હોય પાછળ આવતો હશે તેવું યુવતીએ માની લીધું હતું અને આ રવિ ભરવાડ હત્યા કેસમાં અઠવાડિયા પહેલાં જ જેલમાંથી છૂટ્યાનું યુવતીએ સાંભળ્યું હતું.
દરમિયાન તા.9ને શનિવારે સાંજે યુવતી તેના દાદી સાથે બહાર જવા ઘરેથી નીકળી હતી અને તેના દાદીને સ્કૂટરમાં પાછળ બેસાડ્યા હતા તે વખતે રવિ ભરવાડ તેના કોઇ મળતિયા સાથે આવ્યો હતો.