સર્વેના ધાર્યા કામ પૂર્ણ કરનાર ધારેશ્વર મહાદેવ મંદિરે આજે મહાકાલ સ્વરૂપ અને ભસ્મ શૃંગાર દર્શન થશે

શહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલ ધારેશ્વર મહાદેવ મંદિર ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. શ્રાવણ મહિના દરમિયાન લોકો દૂર દૂરથી ધારેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવતા હોય છે. આ એક પૌરાણિક મંદિર છે. શ્રાવણ માસ દરમિયાન ખાસ દરેક સોમવારે મહાદેવને વિશેષ શણગાર કરવામાં આવ છે. સર્વ ધાર્યા કામ પૂર્ણ કરનાર ધારેશ્વર મહાદેવમાં આજે મહાકાલ સ્વરૂપ દર્શન અને ભસ્મ શૃંગાર થશે. ચોથા સોમવારે અમાસે અમરનાથ તથા ભવ્ય બરફના હિમાલયના દર્શન થશે.

મંદિરના મહારાજ દિનેશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, શ્રાવણ માસ દરમિયાન સવારે 5 વાગ્યે મહાદેવની આરતી થાય છે. ત્યારબાદ દાદાની મહાપૂજા અભિષેક કરવામાં આવે છે. ત્યારબાદ મહાદેવની પંચમુખની એટલે કે પંચાવકત્ર મહાપૂજા અભિષેક થાય છે અને 7:30 વાગ્યે સોમવારે 51 વાટોની ભવ્ય આરતી થાય છે. આજે શ્રાવણના ત્રીજા સોમવારે મહાદેવના મહાકાલ સ્વરૂપના દર્શન તેમજ ભસ્મ શૃંગાર થશે અને ચોથા સોમવારે અમાસના દિવસે અમરનાથ તથા ભવ્ય બરફના હિમાલય દર્શન થશે.

આ મંદિરમાં નર્મદેશ્વર શિવલિંગ બિરાજમાન છે તથા શિવજી તેમના પરિવાર સાથે બિરાજે છે. મંદિરમાં મહાદેવની સાથે રામ-લક્ષ્મણ-જાનકી, અંબાજી, અન્નપૂર્ણા માતા, લક્ષ્મીજી, સત્યનારાયણ ભગવાન, ગાયત્રી માતા, આશાપુરા મા, ખોડિયાર માતા, રાધે ક્રિષ્ના, ચામુંડા મા, બુટભવાની મા તથા શીતળા માતાજી બિરાજમાન છે. મંદિરમાં હાલ ત્રણ પેઢીથી પૂજારી તરીકે સેવા આપી રહ્યા છે. અહીં વર્ષમાં આવતા દરેક તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ધારેશ્વર મહાદેવના દર્શન, પૂજા કરવા માટે અહીં હજારો ભક્તો દર્શનાર્થે આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *