ગુજરાત સરકારે અન્ય રાજ્યોમાંથી સ્થળાંતર કરીને આવતા વિદ્યાર્થીઓ માટે ધોરણ-1 અથવા તેનાથી ઉપરના ધોરણોમાં પ્રવેશ પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલા એક પરિપત્ર અનુસાર આંતરરાજ્ય સ્થળાંતરિત વિદ્યાર્થીઓને તેમના જૂના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (School Leaving Certificate)ના આધારે ઉપલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે.
પ્રવેશની ઉંમરની ખરાઈ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી અથવા શાસનાધિકારીની કચેરીએ એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે વિદ્યાર્થીએ પોતાના મૂળ રાજ્યના નિયમો મુજબ ધોરણ-1માં પ્રવેશ મેળવ્યો હતો
તે પૂર્ણ કર્યું છે કે કેમ. આવા કેસોમાં રજૂઆત અથવા અરજી મળ્યા બાદ મહત્તમ 15 દિવસની સમયમર્યાદામાં આખરી નિર્ણય લેવાનો રહેશે. આ નિર્ણય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કક્ષાએથી લેવામાં આવશે, જે પ્રવેશ પ્રક્રિયાને વધુ ઝડપી બનાવશે.
આ પહેલ ગુજરાતના વર્તમાન આર.ટી.ઈ. નિયમો-2012 હેઠળ નિર્ધારિત વયમર્યાદા આધારિત પ્રવેશની જોગવાઈઓને કારણે ઊભી થતી પરિસ્થિતિઓને દૂર કરવા માટે કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ અને કાયદા વિભાગના પરામર્શ બાદ આ સુચના આપવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ દરેક બાળકને શિક્ષણનો અધિકાર મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.