શહેરની ભાગોળે આવેલા બેડી માર્કેટિંગયાર્ડમાં ગુરૂવારે રાત્રે બારીનો સળિયો તોડી દુકાનમાં ઘુસેલો તસ્કર ટેબલના ખાનામાંથી રોકડા રૂ.7 લાખ ઉઠાવી ગયો હતો. કુવાડવા રોડ પર મધુવનપાર્કમાં રહેતા અને બેડી માર્કેટિંગયાર્ડમાં મુખારવિંદ એન્ટરપ્રાઇઝ નામે દુકાન ધરાવતા અને અનાજ કરિયાણાનો વેપાર કરતાં મનોજભાઇ પરષોતમભાઇ વેકરિયા (ઉ.વ.42)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગુરૂવારે સાંજે સાડા સાતેક વાગ્યે પોતાની દુકાન બંધ કરીને ઘરે ગયા હતા, દુકાનના બે દિવસના વેપારના રૂ.7 લાખ હતા જે બેંકમાં ભરવાના હતા અને બેંક બેડી યાર્ડમાં જ આવી હોવાથી તે રકમ ઘરે લઇ જવાને બદલે દુકાનમાં ટેબલના ખાનામાં રાખી હતી.
શુક્રવારે સવારે દુકાનમાં જતાં જ ટેબલના ખાના તૂટેલા જોવા મળ્યા હતા, ખાનામાં રાખેલા રૂ.7 લાખ ગાયબ હતા. ફૂટેજ ચેક કરતાં ગુરૂવારે રાત્રીના 9.42 મિનિટે એક બુકાનીધારી શખ્સ અંદર ઘુસ્યો હતો અને રાત્રીના 11.20 મિનિટે તસ્કર ચોરી કરીને જતો રહ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરી છે.