રાજકોટ શહેરમાં છેલ્લા એક મહિનાથી મેઘાડંબર વચ્ચે મેઘરાજા મનમૂકીને વરસતા ન હોય આજી, ન્યારી અને ભાદર સહિતના ડેમમાં પાણીની નહીંવત આવક થઇ છે અને તેના પરિણામે હવે શહેર પર ફરી જળસંકટ તોળાય તેવા સંકેતો મળતા મહાનગરપાલિકાનું વોટર વર્કસ વિભાગ એલર્ટ બન્યું છે.
જો આગામી એક સપ્તાહમાં રાજકોટ શહેરમાં મેઘરાજા મનમૂકીને ન વરસે અને ડેમમાં નવાં નીરની આવક ન થાય તો મહાનગરપાલિકાના સત્તાધીશોને ફરી નર્મદાના નીર માટે હાથ ફેલાવવો પડશે.
હાલમાં શહેરને પાણી પૂરું પાડતા આજી અને ન્યારી ડેમમાં માત્ર 15 ઓગસ્ટ સુધી ચાલે તેટલો જળજથ્થો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
સિંચાઇ વિભાગ દ્વારા મે માસના છેલ્લા સપ્તાહમાં આજી અને ન્યારી ડેમને સૌની યોજનાથી ભરી દેવા કવાયત હાથ ધરવામાં આવી હતી અને બન્ને ડેમમાં બે સપ્તાહ સુધી પાણી ઠાલવવાનું ચાલુ રાખ્યું હતું અને 1067.73 એમસીએફટી પાણી ઠાલવ્યું હતું. હાલનું આજી-1માં 24 ફૂટ પાણી હોય ઓવરફ્લો થવા આડે પાંચ ફૂટનું છેટું છે તેવી જ રીતે ન્યારી-1 ડેમમાં 19 ફૂટ પાણી હોય ઓવરફ્લો થવામાં 6 ફૂટનું છેટું છે.
જ્યારે ભાદર ડેમની સપાટી 24 ફૂટ આસપાસ છે. જેમાં ઓવરફ્લો થવા માટે 10 ફૂટનું છેટું છે. સામાન્ય રીતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી અને ન્યારીમાં 15 ફૂટનું લેવલ થાય તે પહેલાં સિંચાઇ વિભાગને પત્ર લખીને સૌની યોજનાના નર્મદાના નીરની માગણી કરવામાં આવે છે આથી શહેરમાં અવિરતપણે પાણી વિતરણ કરી શકાય.