રાજકોટ શહેરમાં PGVCLની 52 ટીમોએ 3954 ટ્રાન્સફોર્મરનું સમારકામ કર્યુ, 24 કલાક 267 ફોલ્ટ સેન્ટર કાર્યરત

ચોમાસાની ઋતુમાં નાગરિકોને અવિરત વીજ પુરવઠો પૂરો પાડવા માટે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ રાજકોટ શહેરમાં સઘન કામગીરી કરી રહી છે. PGVCLની 52 ટીમો દ્વારા અત્યાર સુધીમાં 940 કિલોમીટરથી વધુ વીજ લાઈનોનું સમારકામ અને 3954 ટ્રાન્સફોર્મરનું સમારકામ કરવામાં આવ્યું છે. વીજ ફોલ્ટને તુરંત રિપેર કરવા માટે 24 કલાક કાર્યરત 267 ફોલ્ટ સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યા છે.

ચોમાસા પૂર્વેની સઘન કામગીરી સામાન્ય કે અતિભારે વરસાદ દરમિયાન પણ નાગરિકોને વીજ પુરવઠો મળતો રહે તે માટે વીજ વિભાગના 210 કર્મચારીઓ દિવસ-રાત ખડેપગે કામ કરી રહ્યા છે. PGVCL રાજકોટ શહેર વર્તુળ કચેરી દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને શહેરમાં ભારે દબાણવાળી આશરે 540 કિ.મી.ની લાઈનોનું સમારકામ, હળવા દબાણવાળી 400 કિ.મી.ની લાઈનોનું સમારકામ તેમજ 3954 ટ્રાન્સફોર્મરનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. શહેરમાં નાગરિકોને ગુણવત્તાસભર વીજ પુરવઠો મળતો રહે તે માટે 11 KVના 327 ફીડરો પૈકી 178 ફીડરોમાં સમારકામની કામગીરી પૂર્ણ કરાઈ છે.

આ ઉપરાંત, હળવા દબાણવાળી લાઈનના કામોમાં ડિપાર્ટમેન્ટલ સ્ટાફ અને કોન્ટ્રાક્ટરની ટીમો દ્વારા સંયુક્ત રીતે સંબંધિત સબ ડિવિઝનના અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ કામ કરવામાં આવ્યું છે. જેમાં નડતરરૂપ ઝાડની ડાળીઓ કાપવી, LT A.B. કેબલ સ્ટ્રીંગિંગ અને નવા ડ્રોપર કરવા, LT A.B. કેબલ બદલવા, જર્જરિત અને ખુલ્લા ડિસ્ટ્રીબ્યુશન બોક્ષની જગ્યાએ નવા ડિસ્ટ્રીબ્યુશન બોક્ષ મૂકવા, સર્કિટ કેબલ ફ્યુઝ સાથે બદલવા, બહુમાળી ઈમારતોનાં જર્જરિત વાયરિંગ સાથેના લોખંડની મીટર પેટીઓની બદલી સહિતની કામગીરી કરાઈ રહી છે. આ કામગીરીમાં વીજ સલામતીયુક્ત વાયરિંગવાળું બ્યુટિફિકેશન વર્ક તેમજ થાંભલા પર ચડેલા વેલા દૂર કરવાની કામગીરીનો પણ સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *