ગોંડલના મોવિયા રોડ ઉપર આવેલા રેતી ચોકમાં ટ્રકચાલકોએ આડેધડ પાર્ક કરીને આખા રોડ અને રેતી ચોકનો કબજો જમાવી રાખ્યો છે. બીજી બાજુ રોજીંદી પીડા ભોગવી રહેલા લોકોની સમસ્યા દૂર કરવાને બદલે તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવો તાલ સર્જાઇ રહ્યો છે, ટ્રકના આડેધડ પાર્કિંગને લઈને નાનામોટા અકસ્માતો રોજ બનતા રહે છે. સ્કૂલે જતા વિદ્યાર્થીઓ સુરક્ષિત નથી.
મોવિયા રોડ મુખ્ય માર્ગ હોય અને બન્ને પુલ બંધ હોવાથી હાલ અહીં વધુ ટ્રાફિક રહેતો હોય છે. રેસીડેન્સી એરીયામા ખડકેલા કોમર્શિયલ બાંધકામને પગલે સ્થાનિક તંત્ર પણ ” ત્રણ બંદરોની’ ભુમિકા ભજવી રહ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ચર્ચા તો એવી પણ છે કે કેટલાક બાંધકામ ધારકો પાલીકા તંત્રને વેરા બીલમાં ચુનો ચોપડે છે અને બીજી બાજુ કોમર્શિયલ બાંધકામ કરીને તગડી કમાણી કરી રાહદારીઓ માટે અડચણરુપ બની રહ્યા છે.
પાલીકા તંત્રએ સ્થાનિક લોકોની સમસ્યા ઉકેલવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે. પોલીસ તંત્ર દ્વારા પણ આ સમસ્યાનુ કાયમી નિરાકરણ કરવામાં પોલીસગીરી દાખવી પડ્યા પાથર્યા રહેતા ટ્રક ચાલકોની દાદાગીરી માંથી મુક્તિ અપાવે તેવુ ઈચ્છનીય છે.