પૂર્વ કોંગ્રેસ શહેર પ્રમુખે કહ્યું-‘ખરાબ રસ્તા અને ટ્રાફિક સમસ્યા દૂર કરો પછી નિયમોનું પાલન કરાવો

રાજકોટમાં ફરજિયાત હેલ્મેટ મુદ્દે કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. શહેર પોલીસ દ્વારા 8 સપ્ટેમ્બરથી ટુ-વ્હીલર ચાલકો માટે ફરજિયાત હેલ્મેટ પહેરવાના અમલની કવાયત હાથ ધરવામાં આવતાં રાજકોટ શહેર કોંગ્રેસે તેનો ઉગ્ર વિરોધ કર્યો છે. શહેરનાં પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે, જો પોલીસ સત્તાના જોરે હેલ્મેટ કાયદાનો ફરજિયાત અમલ કરાવશે તો આંદોલનનું રણશિંગું ફૂંકીને સવિનય કાનૂનભંગ અને હેલ્મેટની હોળી કરવા સહિતના કાર્યક્રમો અપાશે. ખરાબ રસ્તા અને ટ્રાફિક સમસ્યા દૂર કરી નિયમોનું પાલન કરાવવુ વધારે જરૂરી હોવાની કહી તેમણે જણાવ્યું કે, હેલ્મેટનું ‘ગતકડું’ કાઢી સરકાર તિજોરી ભરવા માગે છે પણ આવું કરવા દેવામાં આવશે નહીં.

અતુલ રાજાણીએ જણાવ્યું કે, અગાઉ પોલીસ તંત્ર દ્વારા હેલ્મેટના નામે લાખોનો દંડ ફટકારી વાહનચાલકો સામે “ઉઘાડી લૂંટ” ચલાવવામાં આવી હતી. શહેરમાં રસ્તાઓ ટનાટન રાખવા, ટ્રાફિક વ્યવસ્થા સુદ્રઢ બનાવવી, પોલીસ કમિશનરનાં જાહેરનામાનો કડક અને ચુસ્ત અમલ કરાવવો સહિતના અનેક કાયદાઓ અમલમાં છે, પરંતુ તંત્ર તેને “ઘોળીને પી ગયું” છે. ફક્ત હેલ્મેટનો કાયદો વખતોવખત યાદ આવે છે અને વાહનચાલકો સામે લૂંટ ચલાવી સરકારી તિજોરી ભરવાનું આ એક હથિયાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *