શહેરના મવડી હેડક્વાર્ટર નજીક આવેલ વસંત વાટિકા ચોકથી શાકમાર્કેટ તરફ જતાં રોડ પાસે શાકભાજી ખરીદવા નીકળેલા પ્રૌઢાના ગળામાંથી બાઇકસવાર શખ્સે સોનાના ચેઇનની ઝોંટ મારી ચીલઝડપ કરી હતી. જે અંગે પ્રૌઢાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં રૂ.1.5 લાખની કિંમતના 3 તોલા સોનાના ચેઇનની ચીલઝડપ થયાનો ગુનો નોંધાવતા પોલીસે સીસીટીવીની મદદથી સમડીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
જીવરાજ પાર્ક નજીક અંબિકા ટાઉનશિપમાં ઈશાન ફ્લેટ ડી-101માં રહેતા મંજુલાબેન છગનભાઈ કુકડિયા (ઉં.વ.55) એ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, મંજુલાબેન ઘરથી નજીક કસ્તૂરી શાકમાર્કેટ ખાતે શાકભાજી ખરીદવા નીકળ્યા હતા.
તે દરમિયાન મવડી હેડક્વાર્ટર નજીક આવેલ વસંત વાટિકા ચોકથી શાક માર્કેટ તરફ જતા રોડ પાસે આર્યશ્રી એપાર્ટમેન્ટ સામે ચાલીને જતા હતા ત્યારે સમી સાંજના સમયે એકાએક પાછળથી બાઇક લઈને આવેલા શખ્સે પ્રૌઢાના ગળામાં પહેરેલ સોનાનો ચેઇન અને પેન્ડલ ઝૂંટવી લઈ પૂરપાટ ઝડપે બાઇક લઈને ત્યાંથી નાસી ગયો હતો.પ્રૌઢાએ ગભરાટમાં બૂમો પાડતાં ત્યાં ટોળું એકત્ર થઈ ગયું હતું.
ટોળાંમાંથી કોઈ વ્યક્તિએ ચીલઝડપ કરી નાસી જનારનો બાઇક લઈને પીછો પણ કર્યો હતો, પરંતુ ચીલઝડપ કરનાર શખ્સ હાથમાં આવ્યો નહોતો. પ્રૌઢાએ ઘરે કોલ કરી પતિ, દીકરા અને વહુ સાથે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશને જઈ રૂપિયા 1.5 લાખની કિંમતના 3 તોલા સોનાના ચેઇન સમડીએ ચીલઝડપ કર્યાં અંગે ગુનો નોંધાવ્યો હતો. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી સીસીટીવી કેમેરાની મદદથી સમડીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.