જસદણના પ્રખ્યાત ઘેલા સોમનાથ મંદિરમાં દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન મહોત્સવ યોજાય છે. આ વર્ષે ઘેલા સોમનાથ ખાતે યોજાનારા શ્રાવણ માસના ઉત્સવમાં તંત્ર દ્વારા એક વિચિત્ર ફરમાન કરાયું હતું. જસદણના શિક્ષકોને ઘેલા સોમનાથ મંદિરમાં ફરજનો હુકમ કર્યો હતો.
હુકમ મુજબ આજુબાજુની આશરે 10થી વધુ શાળાઓના પ્રાથમિક શિક્ષકોને VVIPની ભોજન વ્યવસ્થામાં જવાબદારી સોંપાઈ હતી, પરંતુ હવે આ વિવાદાસ્પદ હુકમને રદ કરાયો છે. શિક્ષણમંત્રીએ આ પરિપત્ર રદ કરાવ્યો છે અને સાથે સાથે એવું પણ જણાવ્યું છે કે, ભવિષ્યમાં શિક્ષકોને કોઇપણ જવાબદારી સોંપતા પૂર્વે શિક્ષણ વિભાગના અગ્ર સચિવની મંજૂરી લેવાની રહેશે.
રાજકોટ જિલ્લાના ઘેલા સોમનાથ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન દર્શનાર્થે આવતા મહાનુભાવોના ભોજન સંચાલન માટે જસદણના પ્રાંત અધિકારી દ્વારા શાળાના આચાર્યો અને શિક્ષકોને સોંપવામાં આવેલી ફરજનો પરિપત્ર ધ્યાને આવતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ તાત્કાલિક ધોરણે આ પરિપત્ર રદ કરવાના આદેશ આપ્યા છે.