રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રમાં વર્ષોથી કિડનીના દર્દીઓ માટે ડાયાલિસીસની સારવાર માટેની મશીનરી આવીને ધૂળ ખાતી હતી જેથી રોજના 750 દર્દીને ખાનગીમાં ડાયાલિસીસ કરાવી બે-બે હજારનો ખર્ચ થતો હતો. આખરે મહાનગરપાલિકાના 3 આરોગ્ય કેન્દ્રમાં આજથી ડાયાલિસીસની વિનામૂલ્યે સારવાર ઉપલબ્ધ થશે. જેથી અનેક દર્દીઓને લાભ મળશે.
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલે જણાવ્યું હતું કે, બન્ને કિડની કામ ન કરતી હોય તેવી વ્યક્તિઓનું જીવન સંપૂર્ણપણે ડાયાલિસીસ પર નિર્ભર હોય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના 3 આરોગ્ય કેન્દ્ર ખાતે કિડનીના રોગની સારવાર લેતા દર્દીઓ માટે ડાયાલિસીસની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે.
પ્રથમ તબક્કામાં શહેરના નાનામવા, કોઠારિયા અને શ્યામનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 6 મશીન કાર્યરત થશે. આ ડાયાલિસીસ મશીનનું ગુરુવારના રોજ સવારે 10 કલાકે નાનામવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લોકાર્પણ કરાશે. આ ડાયાલિસીસ મશીનનું લોકાર્પણ ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના હસ્તે કરાશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડિયા ઉપસ્થિત રહેશે.