રાજકોટના વોર્ડ નં. 13માં આજે ભર ચોમાસે પાણીકાપની સ્થિતિ ઉભી થઇ હતી. આજે બપોરે આનંદ બંગલા ચોક નજીક પાણીની મુખ્ય લાઈનમાં મોટું ભંગાણ થતાં પાણીનો પ્રવાહ મોટા પ્રમાણમાં રોડ પર વહેવા માંડ્યો હતો અને પાણીના ભારે પ્રવાહના કારણે ડામર રોડ પણ ઊંચો થઈ ગયો હતો. ઘટનાના કલાકો બાદ પણ તંત્ર ઘટનાસ્થળે પહોંચી શક્યું નહીં હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જોકે બાદમાં મનપાની ટીમો દોડી ગઈ હતી અને રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે પાણીની લાઈનમાં ભંગાણ થતા અડધા વોર્ડનાં અંદાજે હજારો લોકોએ વણકહ્યા પાણીકાપનો સામનો કરવો પડ્યો હતો.
ડામર રોડ ઊંચો થઈ જતા વાહન-વ્યવહારને અસર પ્રાપ્ત વિગત મુજબ બપોરે 2:30 વાગ્યાની આસપાસ આનંદબંગલા ચોક પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા રસ્તા પર પાણીની નદીઓ વહી ગઈ હતી. અને અહીંની આસપાસના વિસ્તારોમાં પાણીનો મોટાપાયે બગાડ થયો હતો. ચોમાસાની ઋતુ હોવા છતાં પીવાના પાણીનો આ રીતે વ્યય થતો જોઈને લોકોમાં ચિંતા જોવા મળી હતી. પાણીના સતત પ્રવાહથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ડામર રોડ ઊંચો થઈ જવાથી વાહનવ્યવહારને પણ અસર પહોંચી હતી.