રાજકોટમાં પિયર અને કચ્છના મુંદ્રામાં સાસરિયું ધરાવતા શિક્ષિકાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં પતિ તથા સાસરિયાં વિરુદ્ધ શારીરિક તથા માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. પિયરેથી પૈસા મગાવવા દબાણ કરતાં અને લગ્નના 4 વર્ષ વીતી ગયા છે છતાંય સંતાન સુખ મળ્યું નથી કહી જેઠાણીના મેણાં ન સંભળાતા પરિણીતાએ સાસરિયાં વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.
કાલાવડ રોડ, સહજાનંદ વાટિકા પ્લોટ નં.14/02 શેરી નં.01 એમટીવીની સામે રહેતા હેમુબેન સુનિલભાઈ રાઠોડ (ઉં.વ.32)નામની પરિણીતાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં કચ્છ જિલ્લાના, મુન્દ્રામાં રહેતા પતિ સુનિલ હરિભાઈ રાઠોડ, જેઠ વિજય ઉર્ફે બ્રિજેશ પટેલ, જેઠાણી જિજ્ઞાસા રાઠોડ, સાસુ બાલુબેન અને સસરા હરિભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
તેણીએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદી હેમાબેન રાજકોટ બે માસથી પિયરે રિસામણે આવ્યા છે. હેમુબેનના લગ્ન વર્ષ 2022માં સુનિલ સાથે થયા હતા. બાદમાં પરિણીતાને શિક્ષકની નોકરી માટે બનાસકાંઠામાં રહેવા જવું પડતું હોય ત્યારે તેમના પતિ સાસુ સસરા સાથે અમદાવાદ ખાતે રહેતા હતા. ફરિયાદીના પતિ કોઈ કામકાજ કરતાં નહોતા અને પિયરથી પૈસા મગાવવા પરેશાન કરતા હોય. આ ઉપરાંત પરિણીતા પૈસા ન લાવી આપે તો મારકૂટ કરતા અને ત્રાસ આપતા હતા. જેનાથી કંટાળીને તેણીએ પતિના કહેવાથી મુન્દ્રા ખાતે બદલી કરાવી લીધી હતી અને વર્ષ 2024માં તેણી સાસરિયાં સાથે રહેતી હતી. ત્યારે પણ તેના સસરા અને જેઠે તેણીને કાર લેવા માટે લોનના પૈસા પિયરથી મગાવવાનું કહ્યું હતું. તેમ ન કરતાં ફરિયાદીના જેઠાણી તેણીને સંતાન બાબતે મેણાં મારતા હોય રિપોર્ટ કરાવ્યો હતો, જેમાં પતિમાં ખામી આવી હતી છતાં શિક્ષિકાને માર મારી ત્રાસ આપતા રિસામણે આવી ગઈ હતી.