દારૂની પાર્ટીમાં ઉગ્ર ઝઘડો થતાં યુવકને છરીના ઘા ઝીંકી પતાવી દીધો, બે પકડાયા

શહેરમાં છ કલાકમાં હત્યાના બે બનાવ બન્યા હતા, શનિવારે રાત્રે ઘંટેશ્વર 25 વારિયામાં યુવકની તેના ભત્રીજાએ હત્યા કરી હતી તો લાલપરી મફતિયાપરામાં રહેતા રિક્ષાચાલક યુવકને રવિવારે વહેલી સવારે બે ઇસમે છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. દારૂની પાર્ટીમાં માથાકૂટ થતાં યુવકની હત્યા થઇ હતી. પોલીસે બંને આરોપીને ઝડપી લીધા હતા.

લાલપરી મફતિયાપરામાં રહેતાં અજય કાનજીભાઇ ચારોલા (ઉ.વ.35)ની રવિવારે વહેલી સવારે તેના ઘર નજીક લોહિયાળ હાલતમાં લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં બી-ડિવિઝન પોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રિક્ષાચાલક અજય વહેલી સવારે ચાર વાગ્યે પોતાના ઘરેથી નીકળ્યો હતો અને તેની પત્નીને કહ્યું હતું કે, રોટલી બનાવી રાખજે થોડીવારમાં આવું છું, ત્યારબાદ સાતેક વાગ્યે અજયની લાશ જ મળી હતી.

અજયને છરીના ઘા ઝીંકી પતાવી દેવાયો હતો. ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ અનિરુદ્ધસિંહ પરમાર સહિતની ટીમે ભગવતીપરામાં રહેતા શાહરુખ ઇકબાલ ફકીર (ઉ.વ.23) અને અક્રમ ઇસ્માઇલ ફકીર (ઉ.વ.30)ને ઝડપી લીધા હતા. પોલીસની આગવીઢબની પૂછપરછમાં બંનેએ કેફિયત આપી હતી કે, વહેલી સવારે અજય સહિત ત્રણેય દારૂ પીવા બેઠા હતા અને દારૂ પીધા બાદ શાહરુખ રવાના થયો હતો. અજયે સાથે બેઠેલા અક્રમને લઇ જવાનું કહ્યું હતું અને તે મુદ્દે અજયે ગાળ બોલતા મામલો બિચક્યો હતો, જેથી શાહરુખ તથા અક્રમે છરીના ઘા ઝીંકી અજયનું કાસળ કાઢી નાખ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *