શહેરના નવી લોહાણા મહાજનવાડી પાછળ શિવશક્તિ સોસાયટી આવેલ છે. આ સોસાયટીમાં નગરપાલિકાએ અન્ય વિસ્તારોની જેમ ભૂગર્ભ ગટર બનાવેલ છે. નગરપાલિકા ભૂગર્ભ ગટરના વેરા ઉઘરાવવાનું ભૂલતું નથી પરંતુ સફાઈ કરવાનું ભૂલી ગઈ હોય તેવું અહીંના વિસ્તારવાસીઓનો આક્ષેપ છે.
આ વિસ્તારની તમામ ભૂગર્ભ કુંડીઓ ઉભરાઈ ગઈ છે જેથી ઘર વપરાશના પાણીનો નિકાલ જ થતો નથી. બીજી બાજુ વરસાદના પાણીનો પણ નીકાલ થતો નથી.જેને કારણે ઘરમાંથી પાણી બહાર જવાને બદલે રીટર્ન ઘરમાં જ પાછું આવે છે.
ઘરની બહાર ભૂગર્ભ ગટરની હોમ કુંડીનું પાણી ભરાય રહેતું હોવાને કારણે બહાર નીકળવું પણ દુષ્કર થઈ ગયું તેટલી દુર્ગંધ આવે છે. તેને કારણે મચ્છરોનો પણ ખૂબ મોટો ઉપદ્રવ થઈ ગયો છે. આ અંગે સ્થાનિકો નગરપાલિકામાં અસંખ્યવાર ફરીયાદો કરી સ્થાનિક સદસ્યોને પણ જાણ કરી છતાં પણ ભૂગર્ભ ગટરની સફાઈ કરવા માટે કોઈ આવતું જ નથી.