રાજકોટ નજીક મહિકા, અમરગઢ (ભીચરી)માં સરકારી જમીન પર દબાણકર્તાઓએ દબાણ કરીને જમીન પચાવી પાડી હતી. મહિકામાં તો 200 મકાનની સોસાયટી ઊભી કરી દીધી હતી. ત્યારે આ પ્રકરણમાં કલેક્ટરે અધિકારીઓ પાસે રિપોર્ટ માગ્યો છે. જો આ પ્રકરણમાં અધિકારીઓની બેદરકારી સામે આવશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેમ કલેક્ટર ડો.ઓમ પ્રકાશે જણાવ્યું હતું.
મહિકામાં સરકારી જમીન પર 200 મકાનની સૂચિત સોસાયટી ઊભી કરી દેવામાં આવી હતી. લોકોએ પ્લોટ પણ ખરીદી લીધા હતા. અને કેટલાક કિસ્સામાં તો બીજી વાર પણ તેનો સોદો થઇ ગયો હતો. તાલુકા મામલતદારે જ્યારે તપાસ કરી સરવે કર્યો હતો ત્યારે સરવેમાં આ વિગતો બહાર આવી હતી. ત્યારબાદ મામલતદારે પ્લોટધારકોને નોટિસ આપી 6 મહિનામાં જમીન પરનું દબાણ દૂર કરવા આદેશ કર્યો હતો.
જોકે પ્લોટધારકો પાસે પુરાવા પણ માગવામાં આવ્યા હતા, પરંતુ તેની પાસેથી પૂરતા પ્રમાણમાં પુરાવા મળ્યા નહોતા. આ અંગે પ્રાંત અધિકારીને પણ રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં તપાસ કરવા માટે હાલ 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે. મહિકા ગામે થયેલા જમીન દબાણ પ્રશ્ને મામલતદાર સહિતના અધિકારીઓ પાસેથી બીજી વાર રિપોર્ટ મગાયો છે.