કોટડાસાંગાણીમાં ગોંડલી નદીના પુલ પરના ખાડા તારવવામાં કસોટી

સાંગાણી કોટડાસાંગાણીમાં ગોંડલી નદી ઉપર પુલ ઉપર મહાકાય ખાડા પડી ગયા છે અને વાહન ચાલકો જીવના જોખમે તેના પરથી પસાર થઇ રહ્યા છે. કરૂણતા તો એ છે કે થોડા સમય પહેલાં જ કરવામાં આવેલી મરામત સામાન્ય વરસાદમાં ધોવાઇ ગઇ છે. આ પુલ ઉપરથી પસાર થવામાં વાહન ચાલકો મોતને મુઠ્ઠીમાં લઇને ચાલતા હોવાનો ઘાટ ઘડાયો છે. એક બાજુ મોટા ખાડા પડી ગયા છે અને બીજી તરફ ખાડામાં વરસાદના પાણી ભરાય છે.એટલું જ નહીં, પુલ અત્યંત સાંકડો હોઇ બે વાહન સામસામે આવી જાય તો ટકરાવાની પણ ભીતિ છે.થોડાક દિવસ અગાઉ જે ખાડાની મરામત કરવામાં આવી હતી તેનું પણ સામાન્ય વરસાદમાં ધોવાણ થઇ જતાં સ્થિતિ જેમની તેમ બની ગઇ છે. એવું નથી કે આ પુલ પર સામાન્ય ચાલકો જ પસાર થાય છે, સરકારી અધિકારીઓ પણ અહીંથી પસાર થતા જ હોય છે છતાં તેમના ધ્યાને આ બાબત કેમ નથી આવતી એ મોટો સવાલ છે.

વહેલી તકે આ પુલ ઉપરના ખાડા બુરવામાં આવે તેવી વાહન ચાલકોની માગણી છે. રાજાશાહી વખતનો પુલ જર્જરિત છે જ અને તેમાં ય ખાડા વધતાં લોકોને જીવના જોખમે પસાર થવું પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *