સામાન્ય વરસાદમાં જ ધોરાજીના રોડ, રસ્તાની પથારી ફરી ગઇ હોઇ પાલિકા તંત્રને ઢંઢોળવા માટે કોંગ્રેસના આગેવાનોએ પગપાળા હેલ્મેટ રેલી યોજી હતી અને લોકોની સલામતી સાથે પાલિકા કેવી રમત કરી રહી છે તેનો સૂચક નિર્દેશ કરવામાં આવ્યો હતો કે લોકો પગે ચાલીને નીકળે તો પણ સલામત નથી!
ધોરાજીના જમનાવડ રોડ પર આ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો જેમાં પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરા, જયેશ લાખાણી, મગન વઘાસીયા, ચિરાગ વોરા, ધર્મેશ રાજ્યગુરુ, સહિતના જોડાયા હતા તેમજ ખાડા ખબડા વાળા અને પાણી ભરેલા ખાડા પર હેલ્મેટ પહેરી પગપાળા ચાલીને પ્રજા સલામતીના નારા ગજાવ્યા હતા.
આ કાર્યક્રમ અંગે ધોરાજી શહેર પ્રમુખ દિનેશ વોરાએ ટકોર કરી હતી કે સાંસદ આરોગ્ય જાગૃતિ અર્થે સાયકલ રેલી યોજે એ સારી બાબત છે, પરંતુ લોકોની સલામતી વિશે વિચારી શહેરના રોડ રસ્તાની સ્થિતિ તંત્રે સુધારવી જોઈએ.