અમરનાથ યાત્રા માટે પ્રથમ ટુકડી આજે જમ્મુથી રવાના થઈ છે. લેફ્ટનન્ટ ગવર્નર (એલજી) મનોજ સિન્હાએ ભગવતી નગર બેઝ કેમ્પથી યાત્રાને લીલી ઝંડી આપી હતી. આ દરમિયાન શ્રદ્ધાળુઓ ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના નારા લગાવતા જોવા મળ્યા હતા. જોકે, સત્તાવાર રીતે યાત્રા 3 જુલાઈથી શરૂ થશે.
38 દિવસની આ યાત્રા પહેલગામ અને બાલતાલ બંને રૂટ પરથી નીકળશે. આ યાત્રા 9 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે. ગયા વર્ષે આ યાત્રા ૫૨ દિવસ ચાલી હતી અને 5લાખ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફાના દર્શન કર્યા હતા.
અત્યાર સુધીમાં, અમરનાથ યાત્રા માટે 3.5 લાખથી વધુ યાત્રાળુઓએ નોંધણી કરાવી છે. તાત્કાલિક નોંધણી માટે, જમ્મુમાં સરસ્વતી ધામ, વૈષ્ણવી ધામ, પંચાયત ભવન અને મહાજન સભામાં કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. આ કેન્દ્રો દરરોજ બે હજાર યાત્રાળુઓની નોંધણી કરાવી રહ્યા છે.