એકબાજુ GCASની ગૂંચવણભરી સિસ્ટમથી ન માત્ર વિદ્યાર્થીઓ અને વાલીઓ ત્રાસી ગયા છે, પરંતુ કોલેજ સંચાલકો પણ ત્રાહિમામ્ પોકારી ગયા છે. હજુ સુધી સ્નાતકમાં 2.10 લાખ રજિસ્ટ્રેશન સામે માત્ર 1.13 લાખ જ એડમિશન કન્ફર્મ થયા છે. એવામાં જીકાસ દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજો અને વિદ્યાશાખાઓને શૈક્ષણિક વર્ષ 2025-26માં સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા માત્ર GCAS પોર્ટલ મારફત જ થશે અને કોઈપણ સંજોગોમાં ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા નહિ થાય.
જીકાસ દ્વારા તમામ યુનિવર્સિટીના કુલપતિઓને કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, શૈક્ષણિક વર્ષ 2025-26માં GCAS પોર્ટલ મારફત પ્રવેશ પ્રક્રિયા અન્વયે સ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સમાં પ્રવેશનો પ્રથમ તબક્કો પૂર્ણ થવાને આરે છે. સ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સમાં પ્રવેશનો બીજો તબક્કો અને અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સમાં પ્રવેશનો પ્રથમ તબક્કો આગામી સમયમાં શરૂ થનાર છે. GCAS પોર્ટલ પર આજ દિન સુધીમાં કુલ 1,13,389 વિદ્યાર્થીને સ્નાતક કક્ષાના વિવિધ પ્રોગ્રામ્સમાં પ્રવેશ ફાળવાયો છે. જે પ્રથમ તબક્કામાં રજિસ્ટર્ડ થયેલ કુલ 2,10,331 વિદ્યાર્થીના 53.91% જેટલા વિદ્યાર્થીઓ થાય છે. જોકે પ્રવેશના હજુ બે તબક્કા થવાના બાકી છે.
તાજેતરમાં GCAS સેલ ખાતે આવેલ વિદ્યાર્થીઓ-વાલીઓના કોલ્સ દ્વારા એવું જાણવામાં આવ્યું છે કે, અમુક કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને એમ કહીને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે કે તેમણે હાલ કઈ જ કરવાની જરૂર નથી, જ્યારે ઓફલાઈન પ્રવેશ શરૂ થશે ત્યારે કોલેજ દ્વારા તેમનો સંપર્ક કરીને પ્રવેશ કન્ફર્મ કરવામાં આવશે. આ વર્ષે સરકારનો આશય પ્રવેશની સંપૂર્ણ પ્રક્રિયા GCAS પોર્ટલ મારફત જ થાય તેમ છે.
આથી યુનિવર્સિટી સંલગ્ન સ્નાતક કક્ષાના, અનુસ્નાતક કક્ષાના, બી.એડ., એલ.એલ.બી. કે અન્ય પ્રોગ્રામ્સ ઓફર કરતી કોઈ પણ કોલેજ દ્વારા આ પ્રકારના વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરતી પ્રવૃત્તિ ન થાય તે ખાસ સુનિશ્ચિત કરશો. આ અંગે આપની યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજો અને વિદ્યાશાખાઓને શૈક્ષણિક વર્ષ 2025-26માં સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા માત્ર GCAS પોર્ટલ મારફત જ થશે અને કોઈપણ સંજોગોમાં ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા નહિ થાય તે સૂચિત કરવા જણાવાયું છે.