ભક્તિનગર સર્કલ પાસે રહેતા એક આર્થિક સુખીસંપન્ન પરિવારનો 15 વર્ષનો પુત્ર તા.6ના પોતાના ઘરેથી નીકળ્યા બાદ લાંબો સમય વિતવા છતાં પરત આવ્યો નહોતો. અંતે આ પરિવારે પોલીસને જાણ કરતાં ભક્તિનગર પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો હતો. તરુણના પિતાએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, ધંધાના રૂ.50 હજાર બેંક એકાઉન્ટમાં જમા કરાવવા માટે પુત્રને આપ્યા હતા અને તે રકમ લઇને ઇલેક્ટ્રિક સ્કૂટરમાં ઘરેથી નીકળ્યો હતો ત્યારબાદ તે પરત આવ્યો નહોતો. ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એમ.સરવૈયા સહિતે ટીમે બનાવની ગંભીરતાને લઇને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તરુણનું મોબાઇલ લોકેશન સુરેન્દ્રનગર મળતાં પોલીસ ત્યાં પહોંચી તો તરુણ ત્યાં મળ્યો નહોતો અને તેનું નવું લોકેશન મહેસાણા મળ્યું હતું. મહેસાણા પણ પોલીસને ધક્કો થયો હતો, ત્યાંથી તરુણનું લોકેશન દિલ્હી મળ્યું હતું. ઘરેથી ઇલેક્ટ્રિક સ્કૂટર લઇને નીકળેલો તરુણ દિલ્હી પહોંચ્યાની વાત ધ્યાન પર આવતા પરિવારજનો ચિંતિત થઇ ગયા હતા. પોલીસની એક ટીમ ફ્લાઇટમાં દિલ્હી પહોંચી હતી અને નોઇડા વિસ્તારમાંથી તરુણને હાથવગો કરી લીધો હતો.
પોલીસ સમક્ષ તરૂણે કહ્યું હતું કે, ખરાબ સંગત છોડવા બાબતે પિતાએ ઠપકો આપ્યો હતો તે ઠપકાનું માઠું લાગ્યું હતું અને બેંકમાં જમા કરાવવા પિતાએ રૂ.50 હજાર આપતા તે રકમ સાથે ઇલેક્ટ્રિક સ્કૂટરમાં ઘરેથી નીકળીને ચોટીલા પહોંચ્યો હતો. ચોટીલામાં ઇલેક્ટ્રિક સ્કૂટર ચાર્જ કર્યું હતું, ત્યાંથી સુરેન્દ્રનગર સ્કૂટર ચાર્જ કર્યું અને મહેસાણા પહોંચ્યા બાદ મહેસાણા સ્કૂટર મૂકી દીધું હતું ત્યાંથી ખાનગી વાહનમાં અમદાવાદ આવ્યો હતો અને અમદાવાદથી ફ્લાઇટમાં દિલ્હી પહોંચ્યો હતો. દિલ્હીના પહાડગંજ વિસ્તારમાં એક દિવસ વિતાવ્યો હતો, ત્યારબાદ નોઇડા પહોંચ્યો હતો, ખાનગી વાહનમાં જોખમ થઇ શકે તેવી જાણ હોવાથી ખાનગી વાહનને બદલે દિલ્હીમાં મેટ્રો ટ્રેનમાં જ ફરતો રહ્યો હતો. પિતાનો સંપર્ક કરી પોતે દિલ્હીમાં હોવાની જાણ કરવાનો વિચાર કરતો હતો ત્યાં જ રાજકોટ પોલીસ પહોંચી હતી. પોલીસ તરુણને લઇને રાજકોટ આવી ત્યારે તેના પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો અને પોલીસની જહેમતને બિરદાવી હતી.