વટસાવિત્રી વ્રત જીવનસાથીના લાંબા જીવન અને સ્વસ્થ જીવન માટે કરવામાં આવે છે. આ દિવસે મહિલાઓ વડ વૃક્ષની પૂજા કરે છે, પ્રદક્ષિણા કરે છે અને દોરો બાંધે છે. શાસ્ત્રી રાજદીપ જોશી જણાવે છે કે, આ વ્રત ત્રણ દિવસ પણ કરી શકાય છે રવિ, સોમ, મંગળ તથા આ વ્રત એક દિવસ મંગળવારે પણ રહી શકાય છે. આ વર્ષે જેઠ સુદ ચૌદસના મંગળવારે તારીખ 10 જૂને વટસાવિત્રી વ્રત રહેવાનું રહેશે. તારીખ 10ના દિવસે સવારના 11.37થી પૂનમ તિથિ બેસે છે જે બુધવારે બપોરે 1.14 સુધી પૂનમ તિથિ છે આથી મંગળવારના ભાગે વ્રતની પૂનમ હોતા પંચાંગ પ્રમાણે જ્યોતિષના નિયમ પ્રમાણે વટસાવિત્રીનું વ્રત મંગળવારે રહેવાનું રહેશે.
આખો દિવસ ઉપવાસ કરવા, સવારના સમયે નિત્ય કર્મ કરી અને ત્યારબાદ સૌ પ્રથમ વડના ઝાડ નીચે સામે ઊભા રહી હાથમાં જળ રાખી સંકલ્પ કરવો કે મારા પતિને દીર્ઘ આયુષ્ય મળે તથા ઘરમાં સુખ-શાંતિની પ્રાપ્તિ થાય. ત્યારબાદ ઝાડનું પૂજન કરવું, ચાંદલો કરવો, ચોખા ચડાવવા, અબીલ, કંકુ, ચોખા, ફૂલ અગરબત્તીનો ધૂપ આપવો અને ફળ વડે વડનું પૂજન કરવું. વડને પાણી પીવડાવવું. સૂતર લઈને વડની પ્રદક્ષિણા કરી, પોતાના પતિના આયુષ્ય માટે પ્રાર્થના કરવી અને સાથે પ્રાર્થના કરવી કે અમારા ઘરમાં કુટુંબમાં સુખ-શાંતિ રહે અને મારા પતિનું આયુષ્ય દીર્ઘ અને નિર્વિઘ્ન રહે તેવી પ્રાર્થના કરવી.