રાજકોટ મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં આધારકાર્ડ કેન્દ્ર શરૂ કરવામાં આવશે તેવી શાસક પક્ષના નેતાઓ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હાલ વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 16માં આધારકાર્ડ કેન્દ્રના ઓપરેટર સસ્પેન્ડ થતાં શરૂ કરવામાં આવ્યા નથી. આ પ્રકારે જ્યારે ઓપરેટર સસ્પેન્ડ કરાય ત્યારે સેટઅપ વધારી બે પાંચ ઓપરેટરને રિઝર્વ રાખવા જોઈએ જે પગલે આ અંગે તાત્કાલિક ધોરણસરની કાર્યવાહી કરી યોગ્ય કરવા શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ મ્યુનિસિપલ કમિશનરને આવેદન પાઠવી રજૂઆત કરી છે.
વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજકોટમાં સેન્ટ્રલ ઝોન કચેરીમાં ધસારો રહે છે અને બેંકમાં પણ આધારકાર્ડ કેન્દ્ર બંધ જેવી હાલતમાં છે ત્યારે આજથી સ્કૂલો શરૂ થતી હોય ત્યારે આધારકાર્ડમાં અપડેટ અને નવા નામ સહિતની પ્રક્રિયા વેગવાન બનશે તો હાલ જે વોર્ડમાં આધારકાર્ડનું કામ બંધ છે તે ઝડપથી શરૂ કરાવી વોર્ડના દરેક આધાર કેન્દ્રો પર જાહેર જનતાને દેખાય તે મુજબ આધારકાર્ડનું કામ ચાલુ છે અને આધારકાર્ડ કાઢવાનો સમય અને જરૂરી ડોક્યુમેન્ટ અંગેના માર્ગદર્શક બોર્ડ લગાવવા જોઈએ. દરેક આધારકાર્ડ કેન્દ્ર પર ડોક્યુમેન્ટ ચકાસણી અંગે વ્યવસ્થિત કર્મચારી રાખી અને લોકોને કોઈ મુશ્કેલી ન પડે તેની તકેદારી રાખવી અને તમામ કેન્દ્ર પર પૂરતી બેઠક વ્યવસ્થા અને ઠંડા પાણીની વ્યવસ્થા કરવી જરૂરી છે તેમ અંતમાં જણાવ્યું હતું.