એપ્લિકેશન અપડેટ કરવાની લિંક મોકલી ગઠિયાએ વેપારીના 84 હજાર ઉપાડી લીધા

શહેરમાં સદભાવના રેસિડેન્સીમાં રહેતા ફર્નિચરનો ધંધાર્થી યુવકને મોબાઇલમાં ક્રેડિટ કાર્ડની એપ્લિકેશન અપડેટ કરવાની લિંક મોકલી સાયબર ગઠિયાએ વેપારીના બેંકના ખાતામાંથી રૂ.84 હજાર ઉપાડી લીધાની ફરિયાદ નોંધાઇ છે.

સદભાવના રેસિડેન્સીમાં રહેતા સંજયભાઇ મહેશભાઇ વડગામાએ ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. જેમાં તેને જણાવ્યું હતું કે, તે ફર્નિચરનું કામ કરતાં હોય અને તેની પાસે રત્નાકર બેંક લિ.(RBL) જેની હેડ ઓફિસ લગભગ મુંબઇમાં આવેલ હોય તેનું ક્રેડિટ કાર્ડ હોય આ કાર્ડની લિમિટ બે લાખ રૂપિયા સુધીની છે. તા.12-2ના રોજ યુવક તેના મિત્ર સાથે અટિકા પાસે આવેલા આહીર ચોકમાં હતો ત્યારે મારા મોબાઇલમાં અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને તે આરબીએલ ક્રેડિટ કાર્ડની ઓફિસમાંથી બોલતો હોવાનું કહ્યું હતું અને તમારી ક્રેડિટ કાર્ડની એપ્લિકેશન અપડેટ કરવાજણાવ્યું હતું. બાદમાં વોટ્સએપમાં એક લિંક મોકલી અને તે લિંક ખોલતા મારા ખાતામાંથી રૂ.82911 અને રૂ.1647 ડેબિટ થયા હોવાનો મેસેજ આવ્યો હતો. દરમિયાન સંજયભાઇએ મોબાઇલમાં એપ્લિકેશન પર ખાતાની વિગતો અંગે તપાસ કરતાં એમેઝોન મુંબઇમાં 82911 અને મોબીવીક સિસ્ટમ લિ. ગુડગાવ ઇન્ડિયામાં 1647 રૂપિયા જમા થયાનું બહાર આવ્યું હતું. સાયબર ફ્રોડ અંગે ઓનલાઇન ફરિયાદ કર્યાનું જણાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *