રાજકોટમાં લગ્નની લાલચ આપી યુવતીનું જાતીય શોષણ કરનાર સી.એ.ની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી.
આ કેસની વિગત એવી છે કે, રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગત તા.4-5-2025ના રોજ એક યુવતીએ અટિકા ફાટક પાસે અર્જુન પાર્ક પાસે રહેતા સી.એચ.દર્શન ભૂપેન્દ્ર પીઠડિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ લખાવી હતી કે, આરોપીએ ફરિયાદી સ્ત્રી સાથે મિત્રતા કેળવીને લગ્ન કરશે તેવું વચન આપીને ફરિયાદીને જુદી-જુદી જગ્યાએ લઇ જઇ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ ફરિયાદીએ લગ્ન કરવાનું કહેતા આરોપીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી.
આથી આરોપી દર્શન પીઠડિયાએ ધરપકડથી બચવા માટે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જેમાં સરકારી વકીલ મુકેશ પીપળિયાએ આગોતરા જામીન અરજીનો વિરોધ કરતાં અદાલતને જણાવ્યું હતું કે, આરોપી સામે સમાજ વિરોધી ગુનો નોંધાયેલો છે. આરોપી વિરુદ્ધ પ્રથમ દર્શનીય કેસ છે. આવા કિસ્સામાં આરોપીને આગોતરા જામીન આપવા ન જોઇએ. સરકારી વકીલની દલીલોને ધ્યાન લઇ અદાલતે આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.