નવો સ્ટેચ્યુટ લાગુ પરંતુ યુનિ.એ હજુ FRC ન બનાવી, કોલેજો બેરોકટોક ફી વસૂલવા લાગી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની મોટાભાગની સ્ટેટ યુનિવર્સિટીમાં નવો સ્ટેચ્યુટ લાગુ કરી દેવામાં આવ્યો છે. મોટાભાગની કામગીરી હવે નવા સ્ટેચ્યુટના આધારે કરવામાં આવી રહી છે. પરંતુ નવા સ્ટેચ્યુટમાં કોલેજો વિદ્યાર્થીઓ પાસેથી કેટલી ફી વસૂલી શકશે તેના માટે FRCની કમિટી બનાવવાની પણ જોગવાઈ કરવામાં આવી છે પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હજુ સુધી એફઆરસી કમિટી જ બની નથી. જેના કારણે વિદ્યાર્થીઓ કોલેજોની ઊંચી ફી વસૂલવા મજબૂર બનશે અને કોલેજો પણ બેરોકટોક ફી વસૂલવા લાગી છે. યુનિવર્સિટીના સત્તાધીશોનો કોલેજો ઉપર જાણે કોઈ અંકુશ જ ન હોય એમ કેટલીક કોલેજોએ બેફામ ફી વસૂલવાનું શરૂ કરી દીધું છે.

શાળાઓમાં અને ટેક્નિકલ એજ્યુકેશનમાં FRC (ફી રેગ્યુલેટરી કમિટી) કાર્યરત છે. પરંતુ હવે રાજ્યની તમામ સ્ટેટ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોએ વિદ્યાર્થીઓ પાસેથી કેટલી ફી વસૂલવી તે પણ હવે યુનિવર્સિટીની એફઆરસી કમિટી નક્કી કરશે. સરકારે અગાઉ રાજ્યની તમામ સ્ટેટ યુનિવર્સિટીઓમાં લાગુ કરેલા નવા સ્ટેચ્યુટમાં એવી જોગવાઈ કરવામાં આવી છે જેમાં યુનિવર્સિટીની એફઆરસી કોલેજોની ફી નિર્ધારિત કરશે. આ એફઆરસી કમિટીમાં કુલ 7 સભ્યો નિયુક્ત કરાશે. યુનિવર્સિટીના કુલપતિ આ કમિટીના ચેરમેન રહેશે.

નવા સ્ટેચ્યુટ મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની 11 સરકારી વિશ્વ વિદ્યાલયોમાં શાળાઓની માફક FRC એટલે કે, ફી નિયમન સમિતિની રચના કરવામાં આવશે. જેમાં એન્જિનિયરિંગ અને મેડિકલ સહિતના ટેક્નિકલ સિવાયના નોન ટેક્નિકલ કોર્સ જેવા કે બીએ, બીકોમ, બીએસસી, બીબીએ, બીસીએ સહિતના કોર્સની ફી જે-તે યુનિવર્સિટી કક્ષાએ કુલપતિની અધ્યક્ષતાવાળી કમિટી કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *