રાજકોટમાં સપ્લાય કરે તે પહેલાં પેડલર 12.89 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયો

રાજકોટમાં માદક પદાર્થનું સેવન અને વેચાણ સતત વધી રહ્યું છે. ત્રણ દિવસ પહેલાં જ ગાંજાનો જથ્થો ઝડપાયો હતો ત્યાં બુધવારે પોલીસે રાણાવાવના કુખ્યાત પેડલરને નવા 150 ફૂટ રિંગ રોડ પરથી રૂ.12.89 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. ડ્રગ્સ અને કાર સહિત કુલ રૂ.17.95 લાખનો પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

શહેરના નવા 150 ફૂટ રિંગ રોડ પર વર્ધમાન એવન્યુ એપાર્ટમેન્ટના ગેટ પાસે એક શખ્સ કારમાં બેઠો છે અને તેની પાસે ડ્રગ્સનો મોટો જથ્થો હોવાની માહિતી મળતાં એસઓજીના પીઆઇ એસ.એમ.જાડેજા સહિતની ટીમે નિયત કારમાં બેઠેલા શખ્સની તલાશી લેતા તેની પાસેથી રૂ.12.89 લાખની કિંમતનો 128.9 ગ્રામ મેફેડ્રોનનું પડીકું મળી આવ્યું હતું. પોલીસે ડ્રગ્સ, કાર અને મોબાઇલ સહિત કુલ રૂ.17,95,500નો મુદ્દામાલ જપ્ત કરી કારચાલક રાણાવાવમાં હિન્દુસ્તાન ટ્રાન્સપોર્ટની સામે રહેતા મુસ્તાક રજાક શેખ (ઉ.વ.33)ની ધરપકડ કરી હતી.

મુસ્તાકને અગાઉ બે વખત જામનગર પોલીસે માદક પદાર્થના જથ્થા સાથે પકડ્યો હતો અને તે 18 અને 9 મહિના સુધી જેલમાં રહ્યો હતો. મુસ્તાક અમદાવાદ તરફથી રાજકોટ કોઇ ખાનગી વાહનમાં અવ્યો હતો અને ગ્રીનલેન્ડ ચોકડીએ ઉતરી ત્યાંથી કાર સેલ્ફ ડ્રાઇવ માટે ભાડે લીધી હતી. કાર લઇને રાજકોટમાં ડ્રગ્સનો જથ્થો આપવા પહોંચ્યો હતો, પરંતુ ડ્રગ્સ મગાવનાર પહોંચે તે પહેલાં પોલીસ પહોંચી ગઇ હતી. મુસ્તાક ક્યાંથી ડ્રગ્સ લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે સહિતના મુદ્દે તપાસ શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *