પિતા-પુત્ર પર પાડોશીનો ધોકા વડે હુમલો, બાઇકમાં તોડફોડ

વાણિયાવાડી પાસેના ગીતાનગરમાં રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતો સમર્થ દીપકભાઇ દવે તેના ઘરે હતો અને તેના પિતા દીપકભાઇ બહાર ઉભા હતા ત્યારે પાડોશમાં રહેતા છત્રપાલ પરમાર, તેના પિતા મહોબતસિંહ પરમાર અને રમેશ પરમારએ ધોકા સાથે ધસી આવી તેના પિતા પર હુમલો કર્યો હતો જેથી દેકારો થતા સમર્થ બહાર આવી તેના પિતાને છોડાવવા જતા ત્રણેય શખ્સોએ તેને પણ માર માર્યો હતો અને બુલેટમાં તોડફોડ કરી નાસી ગયા હતા. છત્રપાલના ઘરમાં પાણીના છાંટા ઉડવા મદ્દે માથાકૂટ થઈ હતી.

અન્ય બનાવમાં અશ્વિનભાઈ રામજીભાઈ સાવલીયા (ઉં.વ.40) ગઈકાલે બપોરે 2.45 વાગ્યા આસપાસ પોતાના પરિવાર હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરના બિલ્ડીંગના 11માં માળે પોતાના ફ્લેટે હતા ત્યારે અચાનક 11માં માળેથી નીચે પટકાયા હતા. કોઈએ તુરંત 108ને જાણ કરી હતી. જેથી, 108ની ટીમ સ્થળ પર પહોંચી જેના ઇએમટી પ્રકાશભાઈએ જોઈ તપાસી સ્થળ પર જ અશ્વિનભાઈને મૃત જાહેર કર્યાં હતા. આ બનાવ અંગે જાણ થતાં જ યુનિવર્સિટી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. મૃતક અશ્વિનભાઈ નિવૃત આર્મીમેન હતા. હાલમાં તેઓ રાજકોટ કોર્ટમાં પ્યુન તરીકે ફરજ બજાવતા હતા. બે દિવસ પૂર્વે તેઓને વારંવાર ચક્કર આવતા હોય ડોક્ટરને બતાવી દવા લીધી હતી. ઘટના સમયે પણ તેઓ 11 માળે પાળી પાસે ઊભા રહીને ફોનમાં વાત કરતાં હોય તે દરમિયાન અચાનક તેઓ નીચે પટકાયા હતા. જેથી, અકસ્માતે પડી જતા મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. અશ્વિનભાઈને સંતાનમાં એક પુત્ર છે જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *