તા.27.03.2025નાં રાત્રીનાં મવડી-કણકોટ રોડ પર શ્યામલ ઉપવન સોસાયટી પાસે વિઠ્ઠલ રાદડિયા ચોક, મવડી ગામ જવાના રસ્તે મોબાઈલની ફલેશ લાઈટ ચાલુ કરી પગપાળા જઈ રહેલા યુવાનનાં હાથમાંથી અજાણ્યો બાઈક ચાલક મોબાઈલ ફોન ચીલઝડપ કરી ગયો હતો. જે અંગે ગત તા.4.4.2025નાં રોજ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ચીલઝડપનાં બનાવને લઈ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન મળેલી બાતમીના આધારે રાદડિયા ચોકથી મવડી ગામ જવાના રસ્તે શંકાસ્પદ બાઈક સાથે એક શખસને ઝડપી લીધો હતો, જેની પૂછતાછ કરતાં તેનું નામ ધરમ ઉર્ફે રોહિત પરેશભાઈ કતીરા (ઉ.વ.29) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતાં તેણે ચીલઝડપના ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી. પોલીસે આરોપી પાસેથી મોબાઈલ અને બાઈક કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અન્ય બનાવમાં ઘંટેશ્વર વિસ્તારમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશનાં પરપ્રાંતિય પરિવારની 40 વર્ષીય મહિલાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પતિનું નવ વર્ષ પૂર્વે કેન્સરની બીમારીનાં લીધે મોત થયાં બાદ તેઓ ભંગારનાં ડેલામાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા.1 એપ્રિલની રાત્રીના આશરે 1 વાગ્યા આસપાસ હુ મારા ઘરે સુતી હતી ત્યારે નાની પુત્રીએ મને જગાડીને કહ્યું હતું કે 15 વર્ષીય પુત્રી ઘરે દેખાતી નથી તે ક્યાંક જતી રહેલ છે. જેથી અમે આજુબાજુમા તપાસ કરી હતી પરંતુ મારી દીકરી મળી આવેલ ન હતી. જેથી મને અમારા પાડોશમા રહેતા જયરાજ કાઠી પર શંકા હોય હું તેમના ઘરે ગયેલ તો જયરાજ કાઠી તેમના ઘરે મળી આવ્યો ન હતો. બાદમાં જયરાજની માતાને આ બાબતે વાત કરી હતી. અઠવાડીયા પહેલા જાણવા મળ્યું કે મારી દીકરી જયરાજ કાઠી સાથે પ્રેમ સંબંધમા છે અને આ બાબતે મે મારી દીકરીને ઠપકો આપી સંબંધ મુકી દેવા કહ્યું હતુ. પણ જયરાજ અને પુત્રી બંને મળી નહિ આવતા માતાએ ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે બાતમીના આધારે જામનગર રોડ સ્થિત જલારામ હોટલ ખાતેથી જયરાજ સુરેશભાઈ બોધરા, તેના સગીર ભાઈબંધને ઝડપી લઇ સગીરાને મુક્ત કરાવવામાં આવી હતી.