હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ વિસ્તારો સાથે રાજકોટ જિલ્લામાં આજથી 10 એપ્રિલ સુધી હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે. 24 કલાક બાદ રાજ્યના તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતાં છે. આગાહી મુજબ, સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશમાં મહત્તમ તાપમાન 40થી 44 ડિગ્રી વચ્ચે રહી શકે છે. તો કચ્છ પંથકમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
રાજકોટ જિલ્લામાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર થતાં અતિશય ગરમીથી સાઈડ ઇફેક્ટ સામે આવી રહી છે. ભારે ગરમીનાં કારણે હાલ હિટસ્ટ્રોક અને લૂ લાગવા જેવા બનાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં કુલ 24 જેટલા આવા દર્દીઓ સામે આવ્યા છે. જેમાં પણ 15 જેટલા કેસ છેલ્લા 3 દિવસમાં નોંધાયા છે. આગામી સમયમાં હજુપણ તાપમાનનો પારો ઊંચકાય તેવી શક્યતા હોવાથી 108 એમ્બ્યુલન્સની કામગીરી વધુ સઘન કરવામાં આવી છે. હાલ ORS સહિતની તમામ જરૂરી સગવડ સાથે 44 એમ્બ્યુલન્સ ખડેપગે રાખવામાં આવી છે.
108 સેવાના પ્રોગ્રામ મેનેજર ચેતન ગાધેએ આ મામલે વિગતો આપતા જણાવ્યું હતું કે, હવામાન વિભાગની આગાહી મુજબ હાલ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો છે, જેને લઈને 108 એમ્બ્યુલન્સને પણ ભારે ગરમીને કારણે થતા હિટસ્ટ્રોક અને લૂ લાગવા ઉપરાંત ઝાડા-ઉલટી થવાના વધુ કોલ મળી રહ્યા છે. સપ્તાહની વાત કરીએ તો છેલ્લા એક સપ્તાહમાં હિટસ્ટ્રોક રિલેટેડ 24 કેસો નોંધાયા છે. જેમાં ગત 4થી 6 એપ્રિલ સુધીમાં 14 કેસ નોંધાયા છે. એટલે કે છેલ્લા ત્રણ દિવસથી આ પ્રકારના કેસોમાં ડબલ જેટલો વધારો નોંધાયો છે.