રાજકોટના નાણાવટી ચોક પાસે રહેતી 36 વર્ષીય મહિલાને રવિરત્ન પાર્કમાં રહેતા જયેશ જોટંગીયા નામના યુવાન સાથે પ્રેમ સબંધ હતો અને આ ઉપરાંત મહિલાને તેના એક અન્ય મિત્ર આશિષ રાવલ નામના વ્યક્તિ સાથે મિત્રતા હોય જેથી તેની સાથે મિત્રતા તોડી નાખવા વારંવાર દબાણ કરી મહિલાને તેના ઘરમાં જઈ ઢીંકા પાટુનો માર માર્યો હતો. ત્યાર બાદ સમાધાન માટે ખાનગી કાફેમાં બોલાવી ફરીથી મહિલાને ઢીંકા પાટુનો માર મારી ટેબલ સાફ કરવાના વાઈપર વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. જેને લઇ મહિલાએ ફરિયાદ કરતા યુનિવર્સીટી પોલીસે આરોપી જયેશ જોટંગીયા વિરુધ્ધ BNS કલમ 115(2), 352, 351(3) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય બનાવમાં ગઈકાલે હોળીના પર્વ દરમિયાન હોલિકા દહનના દર્શન કરવા જતી યુવતીની છેડતી કરવામાં આવી હોવાની ફરિયાદ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જેમાં ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે ચાલીને જતા હતા. ત્યારે આરોપી કૌશલ ઉર્ફે કરણ મકવાણા પોતાનું વાહન લઇ આવતો હતો અને તેની બાજુમાંથી કાવો મારી પસાર થઇ ફરિયાદીની ગાળામાં રહેલ ચુંદળી ખેંચી છેડતી કરી હતી. જેથી તેની માતાએ આરોપીને ઠપકો આપી કાવો મારી છેડતી કેમ કરશ કહેતા આરોપીએ સામે ગાળો આપી તારા ઘર ઉપર પથ્થર અને દારૂની પોટલીઓ ઘા કરીશ કહી નજીકમાં પડેલ ઈંટ ઉપાડી સામે મારવા કોશિશ કરી હતી. જોકે, તે ફરિયાદીને વાગી ન હતી. આમ ઘર ઉપર હુમલાની ધમકી આપી છેડતી કર્યા અંગે યુનિવર્સીટી પોલીસે BNS કલમ 78(2), 351(2) હેઠળ ફરિયાદ નોંધી છે.