એક જ દિવસમાં રાજકોટમાં 17 લોકોના મોત!

રાજકોટમાં કાળ ચક્ર ફરી વળ્યું હોય તેમ એક દિવસમાં 7 મહિલા સહિત 17 લોકોના મોત નીપજ્યા હતા. જેમાં 3 હાર્ટ એટેક, 4 અકસ્માત, 6 બેભાન થઈ ઢળી પડ્યા સહિત આપઘાત અને બીમારી સહિતનાં કારણોથી 24 કલાકમાં 17 લોકોએ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. હોસ્પિટલનાં પીએમ રૂમ પર મૃતદેહોનાં પોસ્ટમોર્ટમ માટે લાઈનો લાગતા હાજર પરિવારજનોનું હૈયાફાટ રૂદન જોવા મળ્યું હતું.

રાજકોટમાં કોઠારીયા રોડ પર તિરૂપતિ સોસાયટીમાં રહેતાં 36 વર્ષીય દયાબેન આશિષભાઈ સોલંકી ગર્ભવતી હતા અને ગઈકાલે સાંજના સમયે તેને પ્રસુતિનો દુખાવો ઉપડતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં પ્રસુતિના અસહ્ય દુ:ખવાના કારણે બેભાન થઈ જતાં ફરજ પરના તબીબોએ તેને તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો.

વેલનાથપરા ખાતે લોકમાન્ય તિલક ટાઉનશીપમાં રહેતાં 35 વર્ષીય હરદેવભાઇ પરમાર કાલે પોતાના ઘરે હતાં. ત્યારે કોઈ કારણોસર ટાઉનશીપના સાતમા માળેથી નીચે ઝંપલાવી દેતા શરીરે ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો અને ક્યાં કારણોસર તેને પગલું ભર્યું તે અંગે તપાસ આદરી હતી.

પારેવડી ચોક ઇન્ઝી બેકરી પાસે ગંગેશ્વરમાં રહેતાં 24 વર્ષીય નઈમ હુસેનભાઈ ગઈકાલે સાંજે પોતાના ઘરે હતાં. ત્યારે કોઈ અગમ્ય કારણોસર પંખાના હુકમાં દોરડું બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ આદર્યો હતો. બનાવથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *