રાજકોટમાં દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવી અકસ્માત સર્જવાનો સિલસિલો યથાવત રહ્યો છે. શહેરમાં ગત મોડી રાત્રે રૈયા રોડ ઉપર આલાપ ચોક પાસે દારૂ પીધેલી હાલતમાં નીકળેલા એક કારચાલકે કાર ડિવાઈડર ઉપર ચડાવી વીજપોલ સાથે અથડાવી દીધી હતી અને તેથી અકસ્માત સર્જાયો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ મોડી રાત્રે થયેલા અકસ્માત બાદ લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા અને કારચાલકને પકડી પોલીસના હવાલે કર્યો હતો. જેના વીડિયો સામે આવ્યા છે.
નશાની હાલતમાં કાર ડિવાઈડર ઉપર ચડાવી દીધી શહેરના યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, સાધુ વાસવાણી રોડ ઉપર સેલ્ટેસ સોસાયટીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટના ધંધાર્થી જીગ્નેશ કાનજીભાઈ લોખીલ રવિવારે મોડી રાત્રે રૈયા રોડ ઉપર આલાપ ચોક પાસેથી કાર લઈને પસાર થતા હતા. ત્યારે તેઓ નશાની હાલતમાં હોવાથી કાર ડિવાઈડર પર ચડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. જોકે સદનસીબે કોઈ જ જાનહાનિ થઈ ન હતી, પરંતુ બાદમાં પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને કારચાલક સામે દારૂ પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે.