ખંભાત નગરપાલિકામાં ભૂગર્ભ ગટર યોજના હેઠળ થયેલા મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. 2017માં ભાજપના શાસનકાળ દરમિયાન તત્કાલીન પ્રમુખ યોગેશ ઉપાધ્યાય અને કારોબારી સમિતિના અધ્યક્ષે વાપીની મહેશ કન્સ્ટ્રકશનને ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનના સમારકામ અને સફાઈનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.
શરૂઆતમાં માસિક રૂ. 2,34,864ના દરે વાર્ષિક 28 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. જૂન 2020માં કોઈપણ ટેન્ડર પ્રક્રિયા વગર જ 30% વધારા સાથે કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવામાં આવ્યો. છેલ્લા 6 વર્ષમાં માત્ર મરામત, સફાઈ અને વીમા પેટે 2 કરોડથી વધુની રકમ ચૂકવાઈ છે.
જાગૃત નાગરિક અરુણભાઈ ગોહિલની ફરિયાદના આધારે વડોદરા ઝોનના પ્રાદેશિક કમિશનર એસ.પી. ભાગોરાએ તપાસ કરી હતી. તપાસમાં ગેરરીતિઓ સામે આવતા તેમણે પૂર્વ પ્રમુખ, કારોબારી ચેરમેન અને સંબંધિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.