મ્યુનિસપલ કમિશનરે વર્ષ 2025-26ના નવા પ્રોજેક્ટોની કાર્યસૂચિ જાહેર કરી છે ત્યારે આ પ્રોજેક્ટો પર નજર કરીએ તો બ્રિજ, રસ્તા, ગેટ અને સીસીરોડના કરોડો રૂપિયાના નવા પ્રોજેક્ટોનો લાભ શહેરની કુલ વસ્તીના માત્ર 5 ટકા લોકો રહે છે તેવા વિસ્તારોને મળશે તેવું ચિત્ર ઉપસ્યું છે ત્યારે આ બજેટથી અનેક વિસ્તારોને અન્યાયની લાગણી થશે અને શહેરનો વિકાસ પણ અસંતુલિત થશે. મનપાએ વોર્ડ નં.4માં રાજલક્ષ્મી મેઇન રોડ રૂ.3 કરોડના ખર્ચે બ્રિજ, વોર્ડ નં.18માં કોઠારિયા મેઇન રોડ પર ખોખડદળ નદી પર રૂ.3 કરોડના ખર્ચે બોક્સ ક્લવર્ટ, કોઠારિયા નદીની પૂર્વે કેશરીનંદન પાસેના જૂના કોઝ-વેનું નવીનીકરણ માટે રૂ.2 કરોડ, વોર્ડ નં.11માં વગડ ચોકથી ટીલાળા ચોક સુધી પાળ રોડને રૂ.7 કરોડના ખર્ચે સીસીરોડ, વોર્ડ નં.9માં ટીપી સ્કીમ નં.18માં રૂ.8 કરોડના ખર્ચે કોસ્મોપ્લેક્સ પાસેથી 150 ફૂટ રિંગ રોડને જોડતા 18 મીટરના રોડ, વોર્ડ નં.9માં રૂ.7 કરોડના ખર્ચે ફર્નબાલ્ટથી ઇસ્કોન મંદિર સુધી રસ્તાને ડેવલપમેન્ટનું કામ, વોર્ડ નં.12માં રૂ.5 કરોડના ખર્ચે પુનિતનગરથી રસૂલપરા-કાંગશિયાળી રોડને જોડતા રસ્તાને ડબલ ટ્રેક કરવાનું કામ આપવાના પ્રોજેક્ટ તૈયાર કરાયા છે. આ તમામ સીસીરોડ અને બ્રિજ શહેરના 5 ટકા લોકો રહે છે ત્યાં અપાયા છે.