શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં મૈત્રીકરારથી રહેતી યુવતી તા.26ની રાત્રીના રેસકોર્સ રિંગ રોડ પર પ્રેમી સાથે બેઠી હતી ત્યારે તેનો પતિ ધસી આવ્યો હતો અને નવા મોબાઇલની માંગ કરી પતિએ યુવતીને ફડાકા ઝીંકી ધમાલ કરી હતી.
શહેરના ઉપલાકાંઠા વિસ્તારના 50 ફૂટ રોડ પર ડીમાર્ટ નજીક શ્રીબંગ્લોઝમાં પ્રેમી સાથે રહેતી શ્રદ્ધા ચૌહાણે (ઉ.વ.27) પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના પતિ મોરબી રોડ પરની પંચનાથ રેસિડેન્સીમાં રહેતા ભાવિન ગોપાલ ચૌહાણનું નામ આપ્યું હતું. શ્રદ્ધાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પિતાનું નામ દલસુખભાઇ સાવલિયા છે. શ્રદ્ધાએ સાત વર્ષ પહેલાં મોરબી રોડ પરની પંચનાથ રેસિડેન્સીમાં રહેતા ભાવિન ગોપાલ ચૌહાણ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા અને સંતાનમાં છ વર્ષની પુત્રી છે.
શ્રદ્ધા છ મહિનાથી પતિથી અલગ રહે છે અને ત્રણ મહિનાથી શ્રીબંગ્લોઝમાં રહેતા મિતુલ ભગવાનજી રામાણી સાથે મૈત્રીકરારથી રહે છે. તા.26 જાન્યુઆરીના રાત્રીના સાડા નવેક વાગ્યે શ્રદ્ધા અને તેનો પ્રેમી મિતુલ રામાણી રેસકોર્સ રિંગ રોડ પર ફૂટપાળી પર બેઠા હતા ત્યારે તેનો પતિ ભાવિન ચૌહાણ ધસી આવ્યો હતો અને ભાવિને ‘મને નવો મોબાઇલ ફોન લઇ દે’ તેમ કહી જોરથી રાડો પાડવા લાગ્યો હતો.