પોલીસે મુંબઇના શખ્સની શોધખોળ શરૂ કરી

શહેરના 150 ફૂટ રિંગ રોડ પરના રૂક્ષ્મણી હાઇટ્સમાં રહેતા નિશાબેન યશવંતભાઇ પેઢડિયા (ઉ.વ.39)ને સ્ટોક માર્કેટમાં રોકાણથી મોટું વળતર મળવાની લાલચ આપી સાયબર ગઠિયાઓએ રૂ.17.44 લાખની છેતરપિંડી આચરી હતી. આ મામલામાં રાજકોટ પોલીસે વલસાડના ઉદવાડાની સન રેસિડેન્સીમાં રહેતા હરિશ વેલજી ભાનુશાળી (ઉ.વ.53)ને ઝડપી લઇ તેને એક દિવસના રિમાન્ડ પર લીધો હતો.

રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આર.જી.પઢિયારે જણાવ્યું હતું કે, મહિલા સાથે થયેલી લાખોની છેતરપિંડીનો મામલો પોલીસ દફતરે નોંધાતા વિવિધ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી હતી. ભોગ બનનાર નિશાબેનના ખાતામાંથી જે રકમ ટ્રાન્સફર થઇ હતી તે અલગ અલગ બેંક એકાઉન્ટમાં જમા થઇ હતી જેમાં એસબીઆઇનું એક એકાઉન્ટ ઉદવાડાના હરિશ વેલજી ભાનુશાળીનું હતું તે એકાઉન્ટની તપાસમાં નિશાબેને ગુમાવેલા રૂ.17.44 લાખમાંથી રૂ.10.50 લાખ હરિશ ભાનુશાળીના ખાતામાં જમા થયો હતો. અા માહિતી સ્પષ્ટ થતાં જ હરિશની ધરપકડ કરવામાં આવી હતી. હરિશે કબૂલાત આપી હતી કે, મંુબઇના અેક શખ્સનો પરિચય થયા બાદ તે મુંબઇ ગયો હતો અને ત્યાંથી તેને આવા કામ માટે ફર્નિચર સહિતની એક દુકાન ભાડે આપવામાં આવી હતી. તે દુકાનમાં બેસી પોતે લોકોના બેંક એકાઉન્ટ ભાડે મેળવવા, ખરીદવા સહિતની કામગીરી કરતો હતો. ગઠિયાઓએ માસિક પગાર ચૂકવવાની પણ લાલચ આપી હતી. પોલીસે મુંબઇના શખ્સની શોધખોળ શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *