જિલ્લામાં 116 બાળકોને હૃદયરોગ, 29ને કેન્સર, 24ને કિડનીની બીમારી

રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા થોડા સમય પહેલાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી અને શાળાએ જતા બાળકોના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી જેમાં 116 બાળકોને હૃદયરોગ, 29ને કેન્સર અને 24ને કિડનીની બીમારી હોવાનું બહાર આવ્યું છે. આ તપાસ દરમિયાન 41 બાળકોને આંખના પડદાની ખામી હોવાની ચોંકાવનારી હકીકત પણ પ્રકાશમાં આવી હતી.

આરોગ્ય વિભાગ દ્વારા આંગણવાડી અને શાળાએ જતા કુલ 3,50,631 બાળકોના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી. જેમાં 6 બાળકો જન્મજાત મોતિયાની ખામીવાળા હતા. આ ઉપરાંત કોકિલિયર ઇમ્પ્લાન્ટની બીમારીવાળા 6, કરોડરજ્જુની ખામીવાળા 14, હોઠ અને તાળવું ફાટેલું હોય તેવા 26, વળેલા પગની ખામીવાળા 65, થાપાના હાડકાંની ખામીવાળા 10 બાળકો પણ મળી આવ્યા હતા.

રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી ડો.નવનાથ ગવ્હાણે અને આરોગ્ય અધિકારી આર.આર.ફૂલમાલની રાહબરી હેઠળ હાથ ધરવામાં આવેલા આરોગ્ય વિષયક કાર્યક્રમ દરમિયાન 32,128 બાળકોને જુદી-જુદી ખામી હોવાનું જણાયું હતું. જ્યારે 25349 બાળકોને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી અને 6779 બાળકોને સંસ્થાગત સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *