રાજકોટ સહિત દેશભરમાં 8 હજાર વાંચનપ્રેમીને વિનામૂલ્યે પુસ્તકો વાચવા આપ્યા

રાજકોટમાં સિનિયર સિટિઝન, મહિલાઓ, નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઅોમાં વાંચન પ્રવૃત્તિ વધે અને તેઓને પુસ્તકો શોધવા માટે, પુસ્તકો લેવા કે પરત કરવા માટે લાઈબ્રેરીમાં જવું ન પડે તે માટે શોધક પુસ્તકની સેવા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત શોધક પુસ્તક સેવાની ટીમ ખડેપગે રહે છે. શોધક પુસ્તક સેવાની ટીમના 7 સભ્ય રાજકોટ સહિત દેશભરમાં વાંચનપ્રેમીઓને પુસ્તકો ઘેરબેઠાં પહોંચાડે છે અને વાંચ્યા બાદ તેની પાસેથી પરત પણ મેળવે છે. ત્યારબાદ આ પુસ્તકો બીજા સુધી પહોંચાડે છે. અત્યાર સુધીમાં 8 હજાર લોકોને આ સેવાનો લાભ આપી ચૂક્યા છે. આ ઉપરાંત શાળા- કોલેજમાં પણ વિદ્યાર્થીઓને પુસ્તક પહોંચાડવામાં આવે છે.

આ અંગે વધુ માહિતી આપતા શોધક પુસ્તક સેવા ટીમના નમ્રતાબેન કામદારે જણાવ્યું હતું કે, આ અભિયાનની શરૂઆત આજથી 3 વર્ષ પહેલાં કરવામાં આવી હતી. લોકોમાં અને ખાસ કરીને યુવા પેઢી વાંચન તરફ વળે અને તેનું મહત્ત્વ સમજે તે માટે આ પહેલ શરૂ કરાઈ છે. જે અંતર્ગત થેલીમાં પુસ્તકો ભરીને લોકો સુધી પહોંચાડવામાં આવે છે.

જો અન્ય રાજ્યોમાં પુસ્તકો મોકલવાના હોય તો કુરિયર કરી આપવામાં આવે છે. આ સિવાય વિદેશમાં સોફ્ટ કોપી લોકોને મોકલવામાં આવે છે. સંસ્થા પાસે હાલમાં ધાર્મિક, શૌર્યગાથા, નવલકથા, નવલિકા, વિજ્ઞાન સંબંધિત સહિત અલગ-અલગ વિષયના પુસ્તકો છે. શાળા-કોલેજમાં વિદ્યાર્થીઓને પુસ્તકો આપવામાં આવે ત્યાર બાદ તેઓ વાંચી લે પછી તે પુસ્તકો તેના જ ક્લાસમાં અન્ય વિદ્યાર્થીઓને બદલાવી દેવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *